• ઓગસ્ટમાં ફ્લાઇટ લેન્ડિંગ ટેસ્ટ થશે, પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થવાનો અંદાજ : એરપોર્ટનું કામ 2040 સુધી ચાલુ રહેશે
  • ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવના ઉદ્દઘાટન બાદ ભુપેન્દ્ર પટેલ હીરાસર પહોંચશે : એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ કલેક્ટર, પ્રાંત સહિતના અધિકારીઓ રહેશે ઉપસ્થિત

હિરાસરમાં નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ જે કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા માટે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે. જે સંદર્ભે જિલ્લાના અધિકારીઓ પણ ત્યાં હાજરી આપવાના છે.

રાજકોટની ભાગોળે હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હાલ ઝડપભેર આગળ ધપી રહ્યો છે. તે ઝડપથી સાકાર કરવા માટે તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સહિતના પણ હિરાસર એરપોર્ટ ખાતે આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે કાલથી પાંચ જૂન સુધી આયોજિત ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવના ઉદ્દઘાટન માટે સુરેન્દ્રનગર આવી રહ્યા છે. આ કોન્કલેવનું આયોજન આનંદભવન ખાતે કરવામાં આવ્યું છે જેનું સવારે 9 વાગ્યે ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વનમંત્રી કિરીટસિંહ રાણા સહિતના ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સીધા હિરાસર એરપોર્ટ પર પહોંચશે અને એરપોર્ટ નિર્માણ કાર્યની સમીક્ષા કરશે.

ઉપરી વિભાગ દ્વારા ઑગસ્ટ સુધીમાં એરપોર્ટ કાર્યાન્વિત કરી દેવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જાણવા મળ્યા પ્રમાણે હિરાસર એરપોર્ટના રન-વેનું 90% કાર્ય પૂર્ણ થઈ ગયું છે ત્યારે ટર્મિનલ, એટીસી ટાવર સહિતની કામગીરી અત્યારે ચાલી રહી છે જેમાં ઝડપ લાવવા માટે મુખ્યમંત્રી આદેશ આપશે. આ ઉપરાંત જમીન સંપાદનને લઈને આવતી અડચણોનું પણ ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે. બીજી બાજુ મુખ્યમંત્રી કાલે હિરાસર જવાના હોવાથી એરપોર્ટ ઓથોરિટીમાં પણ દોડધામ મચી જવા પામી છે.

બીજી તરફ સ્થાનિક અધિકારીઓ તરફથી જાણવા મળતી વિગત મુજબ હીરાસર એરપોર્ટમાં ઓગસ્ટ મહિનામાં ફ્લાઇટ લેન્ડિંગ ટેસ્ટ કરવામાં આવનાર છે. તબક્કાવાર આ કામ ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થવાની ધારણા છે. એરપોર્ટનું સંપૂર્ણ કામ 2040 સુધીમાં પૂર્ણ થવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.