- જિલ્લાની વિવિધ રજૂઆત સાંભળવા ભૂપેન્દ્રભાઇ પટેલનો નવો અભિગમ
રાજ્યના 33 જિલ્લાઓની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખોને લાંબો ઇન્તજાર ન કરવો પડે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નવો અભિગમ અપનાવ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખો હવે દર મંગળવારે સીએમને રૂબરૂ મળી શકશે. કોઇ જ એપોઇન્ટમેન્ટ લેવાની આવશ્યક્તા રહેશે નહીં.
જિલ્લા પંચાયતના પ્રમુખોએ અત્યાર સુધી મુખ્યમંત્રીઓને મળવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી. મળવા માટે નિર્ધારિત સમય આપવામાં આવતો હોવા છતા પ્રમુખોને કલાકો સુધી રાહ જોવી પડતી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉદાત અભિગમ અપનાવ્યો છે. જેમાં હવેથી દર મંગળવારે બપોરે 1:00 થી 1:30 કલાક દરમિયાન રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખો મુખ્યમંત્રીને મળી શકશે.
સીએમ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખને મળવા માટે મંગળવારનો સમય ચોક્કસ નિર્ધારિત કર્યો છે. પરંતુ માટે 30 મિનીટનો જ સમય ફાળવવામાં આવ્યો હોવાના કારણે તમામ જિલ્લાના પ્રમુખો વિસ્તૃત રજૂઆત કરી શકશે કે કેમ તેની સામે પણ થોડા પ્રશ્ર્નો ઉભા થઇ રહ્યા છે. કારણ કે ક્યારેય એવું બને કે તમામ 33 જિલ્લાના પ્રમુખો મંગળવારે ગાંધીનગર પહોંચી જાય તો એક પ્રમુખને સીએમને મળવા પુરી એક મિનિટ પણ ન મળે.
જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે મહાપાલિકાના મેયર પણ સરળતાથી એપોઇન્ટમેન્ટ લીધા વિના સીએમને મળી શકે તે માટે કોઇ એક દિવસ નિર્ધારિત કરવાની આવશ્યક્તા છે.
મહિનાના ચાર થી પાંચ મંગળવાર આવતા હોય છે. આવામાં રાજ્યના અલગ-અલગ ઝોન મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખો સીએમને મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અભિગમ ખૂબ જ સારો છે. હવેથી જિલ્લા પંચાયતના પ્રમુખો એવી ફરિયાદ નહી કરી શકે કે સીએમનો સમય મળતો ન હોવાથી પ્રશ્ર્નોની રજૂઆત કરી શકાતી નથી.