- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિસાવદરના ચાપરડા હેલીપેડ ખાતે ભાવભેર સ્વાગત
- રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકાર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 એપ્રિલ એટલે કે આજે વિસાવદર ખાતેથી અંદાજે રૂ. 94 કરોડના વિકાસ કાર્યોનું ઈ – લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે તેમજ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે જાહેર સભા સંબોધશે અને બ્રહ્માનંદ ચાપરડા આશ્રમની પણ મુલાકાત લેશે.
મુખ્યમંત્રી વિસાવદર ખાતેથી અંદાજે રૂ. 94 કરોડના કામોનું ઈ – લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ બ્રહ્માનંદ ચાપરડા આશ્રમની પણ મુલાકાત કરશે. જૂનાગઢ જિલ્લાની આંતર માળખાકીય સુવિધા અને જનસુખાકારીમાં વધારો કરતાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ -લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. વંથલી તાલુકાના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ જૂનાગઢ શહેર તાલુકાના BRC ભવન, કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલના સહિતના વિકાસકામોનું એમ મળીને અંદાજે રૂ. 36.95 કરોડના વિકાસ કામોનું ઈ – લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહ્માનંદ આશ્રમના હેલીપેડ ખાતે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.
મુખ્યમંત્રીને રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, રેન્જ આઈજી નિલેશ જાજડીયા, જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા, ચાપરડા બ્રહ્માનંદ આશ્રમના પ્રતિનિધિ સહિતના મહાનુભાવોએ આવકાર્યા હતા.