કચ્છ સમાચાર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ નો શુભારંભ કરાવ્યા બાદ કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. આ તકે ધોરડો ખાતેથી કચ્છની ખમીરવંતી ધરતીના કચ્છી માડુઓને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતે કરેલા વિકાસ અને તેજ રફ્તારની ચોમેર ચર્ચા છે.
ધોરડો ખાતે શરૂ થયેલો કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવતો ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે. હાલમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને અપાયેલ ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ના સન્માનનો આનંદ સાથે ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ધોરડો આજે વિશ્વ પ્રવાસનના વૈશ્વિક નકશે કાયમ માટે અંકિત થઈ ગયું છે.
કચ્છની પ્રવાસન સમૃદ્ધિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કચ્છ પર્વતો, સમુદ્રકિનારો, અનોખું કહી શકાય તેવું સફેદ રણ, સરહદો સહિતની વિશેષતાઓ સાથે અમાપ કુદરતી સૌંદર્ય ધરાવે છે. પ્રવાસન ક્ષેત્રે કચ્છનો વિકાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિ અને ભગીરથ પ્રયાસોનું પરિણામ છે.૨૦૦૧ના ભૂકંપના પરિણામે કચ્છમાં થયેલા વિનાશે કચ્છની કેડ ભાંગી નાખી હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇએ અથાક પરિશ્રમથી કચ્છને ફરી બેઠું કરવાનો અને આપત્તિને અવસરમાં બદલવાનો સંકલ્પ લીધો અને કચ્છની ખમીરવંતી પ્રજાએ તેમના આ સંકલ્પને સાકાર કરી બતાવ્યો છે.
છેલ્લા બે દાયકામાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રવાસીઓની સતત વધતી સંખ્યાના કારણે કચ્છના અર્થતંત્રને વેગ મળ્યો છે અને પ્રવાસન કચ્છના હજારો લોકોને રોજગારી આપી રહ્યું છે. બે દાયકા પહેલા ટુરિઝમના નકશામાં ગુજરાતનું ક્યાંય નામ નહોતું. શ્રી નરેન્દ્રભાઈ મોદીની રણોત્સવ સહિતની પહેલના કારણે છેલ્લા બે દાયકામાં ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે ફેવરિટ ટુરિઝમ ડેસ્ટીનેશન બન્યું છે.
વર્ષ ૨૦૨૨મા ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની કુલ સંખ્યામાં ૨૦.૧૭ ટકાના હિસ્સા સાથે ગુજરાતનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે.
બન્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના પરિણામે શરૂ થયેલા આ ઉત્સવમાં શરૂઆતમાં ત્રણ દિવસનો હતો, જે આજે તેમના માર્ગદર્શન હેઠળ ઉમેરાયેલા નીતનવા આકર્ષણ સાથે ૧૨૦ દિવસનો ઉત્સવ બની રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં ૩.૫ લાખ જેટલા પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી છે જ્યારે ચાલુ વર્ષે ૧.૭૫ લાખ પ્રવાસીઓ તેનો આનંદ લઈ ચૂક્યા છે. કચ્છનું રણ વિશ્વ પ્રવાસનના તોરણ સમાન બન્યું છે જ્યારે રણોત્સવ ગ્લોબલ ટુરિઝમનું સ્પોટ બની ગયું છે.
રણોત્સવે ગયા વર્ષે રાજ્યની જીએસડીપીમાં રૂ. ૪૬૮ કરોડનો ફાળો આપ્યો છે. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં સરક્રીક ખાતે સમુદ્રી દર્શન, ધોરડો ખાતે નવી ટેન્ટ સીટી, વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા ખાતે નવી પ્રવાસન સુવિધાઓ ઉભી કરવામાં આવશે. નડાબેટ ની જેમ સરક્રીક ખાતે સમુદ્રી દર્શનની સુવિધા ઊભી કરાતા ઇકો ટુરિઝમ, મેન્ગ્રુવ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, વોટર સ્પોર્ટ્સ, બર્ડ વૉચિંગ ટુરિઝમનો વિકાસ થશે. વડાપ્રધાન શ્રી ના માર્ગદર્શન હેઠળ સરકાર કચ્છની સાથે સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવા પ્રયાસરત છે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે ટુરિઝમ સેક્ટરમાં પ્રવાસન અને પરિવહનની અવનવી તકો ઉભી કરીને ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર આ તકે મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સફેદ રણ ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો પહેલા નરેન્દ્રભાઈ મોદીએ સફેદ રણ વિશ્વ ફલક પર પ્રસિદ્ધિ મેળવશે એવી વાત કરી હતી તે વાત આજે સાચી ઠરી છે. હાલમાં જ ધોરડો વિલેજને વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈજેશનના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સફેદ રણ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અનેક સુવિધાઓનો વધારો થયો છે. વોચ ટાવર, ટેન્ટ સીટી, લાઈટ એન્ડ સાઉન્ડ શો વગેરે સુવિધાઓ વધતી જાય છે.
મુખ્મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ‘કચ્છડો ખેલે ખલક મે’ તથા ‘કચ્છડે જા હેત અને હૈયારી સાથે આઉં અહીંયા કચ્છ'(હું છું કચ્છ) થીમ પર રજૂ કરવામાં આવેલો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. કચ્છી કલાકારોએ પરંપરાગત પરિધાન સાથે ‘રણની એ ભૂમિ પર મતવાલો મલક કચ્છ…..’, ‘જગડુશા સેઠની દાતારી’,’હલરે સજણ કરછડો મૂકે સડ કરે….’, ‘કચ્છની દેશદેવી આશાપુરા મઢવાડી’, ‘મેઠો મેઠો પાંજે કરછડે જો પાણી’, ‘કચ્છજી ધીંગી ધરા’, ‘નમો કચ્છ નમો ગુજરાત નમો હિન્દુસ્તાન’ વગેરે કૃતિઓને નાટક અને નૃત્ય થકી જીવંત કરી હતી જે નિહાળી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, પ્રવાસન સચિવ હારીત શુક્લ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના સચિવ મમતા વર્મા, ધારાસભ્ય સર્વ પ્રદ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, જિલ્લા કલેક્ટરઅમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, ધોરડો ગામના સરપંચશ્રી મિંયા હુસેન તેમજ પદાધિકારીઓ/ વરિષ્ઠ અધિકારીઓ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવીનગીરી ગોસ્વામી