શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાઓનો ઐતિહાસિક અંજન શલાકા-પ્રતિષ્ઠા અષ્ટાહિકા મહોત્સવ

પ્રાણીઓ માટેની અદ્યતન એનિમલ હોસ્પિટલની પ્રથમ ઇંટનું શાસ્ત્રોક્ત ઉચ્ચારણા સાથે પૂજન કરતા ભૂપેન્દ્રભાઇ પટેલ

આધુનિક ઉપકરણોથી સજ્જ 250 બેડની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે

ધરમપુર તીર્થે પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા નવનિર્મિત ભવ્યાતિભવ્ય જિનમંદિરમાં જિન પ્રતિમાજીઓ તેમ જ ગુરુમંદિરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજીઓનો ઐતિહાસિક, અદ્વિતિય અને આત્મકલ્યાણકારી અંજનશલાકા-પ્રતિષ્ઠા અષ્ઠાઢિાકા મહોત્સવ તા. 24 થી 31 ડિસેમ્બર, 2021 સુધી ઉજવાઈ રહ્યો છે. આ અભૂતપૂર્વ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત હતાં.

મુખ્યમંત્રીએ ધરમપુર તીર્થે આવેલ રાજ દરબાર, જ્યાં શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાજી બિરાજમાન છે, તેના દર્શન-પ્રક્ષાલન કર્યું હતુ. ત્યારબાદ તેઓ નવનિર્મિત જિનમંદિરે દર્શન કર્યા હતાં. 1,08,000 ચોરસફૂટમાં વ્યાપ્ત 1,60,000 ઘનફૂટ ધવલ સંગેમરમરથી નિર્મિત ઉત્કૃષ્ટ કારીગરીયુક્ત આ જિનમંદિરના પાંચ શિખર પર 108 ફૂટ ઊંચાઈએ ધજા ગગનમાં લહેરાય છે. વિશાળ ગર્ભગૃહ, રંગમંડપ અને નૃત્યમંડપમાં સૂક્ષ્મ ચિત્તાકર્ષક કોતરણીથી સુશોભિત 108 સ્તંભ અને 84 જેટલી અલગ અલગ નકશીકામ કરેલ સુંદર છત તેમ જ પ્રેરણાત્મક કથાઓ દર્શાવતી ગજપીઠ આ બધું ભગવાન મહાવીરના સમયનો કાળ જીવંત કરે છે. ગુરુમંદિરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની પાંચ પાવનકારી પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં રંગમંડપમાં 30 ફૂટ ડ્ઢ 30 ફૂટની વિશાળ તાવડી કોઈ પણ સ્તંભના આધાર વિના ઊભી છે, જે આર્કટેક્ઝરલ અજાયબી છે!

ધરમપુર તીર્થે ભગવાન મહાવીરના જન્મસ્થાન ક્ષત્રિયકુંડની પ્રતિકૃતિરૂપ ભવ્ય સભાગૃહનું મહોત્સવ નિમિત્તે નિર્માણ કરવામાં આવ્યું છે અને અહીં ભગવાન મહાવીરના સમયમાં લઈ જતી, જોનારને મંત્રમુગ્ધ કરી દેતી નૃત્યનાટિકાના માધ્યમથી ભગવાનના જીવનની મુખ્ય પાંચ ઘટનાઓને જીવંત કરવામાં આવી રહી છે, જેનાથી મુખ્યમંત્રી અત્યંત પ્રભાવિત થયાં હતાં. પૂજ્ય ગુરુદેવે તેમને પ્રેમના સંભારણારૂપે શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજી ભેટ ધરી હતી. સાથે જ સભામાં ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત રાજ્યના નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી જીતુભાઈ ચૌધરી, સંસદસભ્ય ડો. કે. સી. પટેલ, વલસાડના ડીસ્ટ્રીક્ટ કલેક્ટર શિપ્રા અગ્રે અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.

પૂજ્ય ગુરુદેવ રાકેશજી અને મુખ્યમંત્રીએ પ્રાણીઓ માટેની અદ્યતન શ્રીમદ્ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલની પ્રથમ ઈટોનું શાસ્ત્રોક્ત ઉચ્ચારણો સાથે પૂજન કર્યું હતું. આ અવસરે શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે પોતાનો અહોભાવ દર્શાવતાં મુખ્યમંત્રીએ પોતાના વ્યક્તવ્યમાં કહ્યું કે, શ્રીમદ્ રાજચંદ્રજીએ ગાંધીજીને સત્ય, અહિંસા અને કરુણા જેવા ગુણોની પ્રેરણા આપી, જેને ગાંધીજીએ આઝાદીની લડતના શસ્ત્રો બનાવી દેશને આઝાદી અપાવી, જે માટે સૌ ભારતવાસી શ્રીમદ્ રાજચંદ્રજીના ઋણી છે.

શ્રીમદ્જીના પવિત્ર ચરણોથી પાવન બનેલ ધરમપુરની ધરતી પર આવવાનું અને અહીં નવનિર્મિત ભવ્ય જિનપ્રાસાદ અને ગુરુમંદિરના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી હું ધન્ય બન્યો છું. કલાત્મકતા અને અધ્યાત્મના અદ્ભૂત સંયોજનરૂપ આ જિનમંદિરની ભવ્યતા મને ભગવાનની દિવ્યતાનો અહેસાસ કરાવે છે. અહીં પ્રવેશતાં જ મને શાંતિ અને શીતળતાનો અનુભવ થયો! પૂજ્ય ગુરુદેવ રાકેશજીના અધ્યાત્મ અને સેવાના કાર્યોની સરાહના કરતાં તેમણે કહ્યું હતું કે, શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રબોધેલ માર્ગ અને સંસ્કારવારસાને આગળ ધપાવવાનું કાર્ય વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવ રાકેશજી કરી રહ્યા છે. તેઓની પ્રેરણાથી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર આદિવાસી વિસ્તારમાં ધર્મ, આસ્થા સાથે જ જ્ઞાન વિજ્ઞાનની જ્યોત પણ પ્રજ્વલિત કરી રહ્યું છે.

સરકાર સાથે ખભે ખભા મેળવીને અનેક સેવાકાર્યો તેઓ નિર્મળ પ્રેમ, કાળજી અને સેવાના ભાવના એક માત્ર હેતુથી કરી રહ્યા છે. આવા સેવામય કાર્યો જ ગુજરાતનું ઘરેણું છે અને એ ઘરેણામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર રત્ન બની ઝગમગાટ કરી રહ્યું છે, તેનું આપણને ગૌરવ છે. આવનારી નૂતન શ્રીમદ્ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ પ્રાણીઓ માટેની ભારતની એક એવી હોસ્પિટલ હશે, જેમાં અનેક અદ્યતન સુવિધાઓ એક છત હેઠળ મળશે. મને જાણ થઈ છે કે 250 બેડની મોટી અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ ‘શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર’નું નિર્માણકાર્ય પૂર્ણતાને આરે છે, જેનું ઉદ્ઘાટન એપ્રિલ 2012માં થશે. આમ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર શ્રીમદ્ રાજચંદ્રજીના સંદેશને સાર્થક કરી રહ્યું છે.

આમ પૂજ્ય ગુરુદેવ રાકેશજી પ્રેરિત આ ગગનચુંબી શિખરબંધી, મનોહારી જિનમંદિર એન્જિનિયરીંગની અદ્ભૂત કમાલ, મંત્રમુગ્ધ થઈ જવાય તેવું શિલ્પકામ અને સ્થાપત્ય તો છે જ પણ સાથે જ તેઓની દીર્ઘ દ્રષ્ટિની ફલશ્રુતિ છે, જે યુગો યુગો સુધી ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મનું પ્રતીક બની રહેશે! આ અદ્ભૂત અવસરનું જીવંત પ્રસારણ – એસ.આર.એમ.ડી. (SRMD) ચેનલ – યુ ટ્યુબ માણી શકાશે.વધુ માહિતી માટે સંપર્ક : મેહુલ ખોખાણી +91 98210 46603, ઉત્પલ મહેતા +91 98200 66593 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.