બાકી રહી ગયેલા ખેડુતો પાસેથી ૧ મેથી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરાશે: મુખ્યમંત્રી

કાળઝાળ ગરમી વધી રહી છે ત્યારે કયાંય પણ પાણીની સમસ્યા ન સર્જાય એ માટે તકેદારી રાખવા આયોજન કરવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લાકલેકટરોને આદેશ કર્યો છે.

ગઈકાલે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી સતત પાંચમી કેબીનેટ બેઠખ યોજી હતી. આ બેઠકમા મુખ્યમંત્રીએ લોકડાઉનની સ્થિતિ અને લોકડાઉન વચ્ચે આરોગ્ય કર્મચારીઓ દ્વારા લેવાઈ રહેલા પગલા અને તેને લગતી બાબતોની માહિતી મેળવી હતી.

આ કેબિનેટ બેઠક અંગે માહિતી આપતા મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે હાલ રાજયમાં ગરમી વધી રહી છે. ગરમી વધવા સાથે સાથે પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરોને સૂચનાઓ આપી છે. કલેકટરોને આ બાબતે જાતે અંગત રસ લઈ પાણી પૂરવઠો જાળવી રાખવા જરૂરી પગલા લેવા આદેશ કર્યો છે.

રાજયમાં ગમે તે જગ્યાએ તૂટેલા હેન્ડ પંપ, ડંકીઓ તત્કાલ રીપેર કરાવી લેવા અને જિલ્લામાં તમામ સ્તરે પંપ, ડંકી આસપાસ સ્વચ્છતા જાળવવા પણ જણાવાયું છે.

ડંકી કે પંપ નજીક મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી ત્યાં થર્મલગન, હેન્ડ સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરવા સૂચનાઓ અપાઈ છે. માર્કેટ યાર્ડમાં જે રીતે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોવા છતાં ત્યાં સામાજીક અંતર જાળવી માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. તેજ રીતે ડંકીઓ, હેન્ડ પંપ પર વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્રે આદેશ કર્યો છે.

અશ્ર્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતુ કે રાજય સરકાર દ્વારા નાગરિક પૂરવઠા નિગમ દ્વારા આગામી ૧ થી ૫મે દરમિયાન પૂરવઠા નિગમના ગોડાઉન ખાતે ખેડુતોની તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજયમાં ૧૬૩૪૫ ખેડુતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં ૩૮૮૧ ખેડુતો પાસેથી ૬૫૧૪ મેટ્રીકટન તુવેરની ખરીદી કરવામાં આવી છે.

બાકી રહી ગયેલા રજીસ્ટ્રેશન કરાવનારા ૧૨૪૧૨ ખેડુતો પાસેથી આગામી ૧ થી ૫ મે દરમિયાન તુવેરની ખરીદી કરવામાં આવશે.

જે ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને જેની તુવેર વેચવાની બાકી છે તેવા ખેડુતોને કયાં સ્થળે અને કયારે આવવું? તે અંગે એસએમએસથી જાણ કરવામાં આવશે. તેમ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.