ભગવાન ગણેશજીનાં સાનિધ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જાજરમાન સન્માન
ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના ગઈકાલે દ્વિતિય દિને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આગમન થયું હતુ. દેવાધિદેવ ગણપતિજીના પંડાલમાં મેગા ફુલમાલા, સાલ ઓઢાડી જીમ્મીભાઈ અડવાણી, ગીતાબેન અડવાણી અને સાથી મીત્ર સમૂદાયે સ્વાગત સન્માન કર્યું હતુ.
આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ પ્રાર્થના સાથે જણાવ્યુંં હતુ કે, ગણેશ એકતાનું પ્રતિક છે. આઝાદીની લડત સમયે દેશને એક છત્ર નીચે લાવવા ગણેશ ઉત્સવની શરૂઆત લોકમાન્ય તિલકે કરી હતી આજે સાંપ્રત વેર વિખેર સમાજમાં એકતા માટે ગણેશનો આદર્શ અનિવાર્ય અને જરૂરી છે.
ગઈકાલે રાત્રે હાસ્ય દરબાર કાર્યક્રમમાં લોકોની વિશાળ હાજરી હતી, એક એકથી ચડીયાતા હાસ્ય કલાકારોનો મનોરંજક હસાયરો લોકોએ મોડીરાત સુધી મનભરીને માણ્યો હતો.આજે શનિવારે સાંજે નાના બાળકોની શ્ર્લોક સ્પર્ધા અને રાત્રે શહેરની શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ શોમાં બાળકોના વાલીઓ વિશાળ સંખ્યામાં હાજરી આપશે.કાલે રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યાથી જરૂરીયાતમંદ દર્દીઓનાં લાભાર્થે રકતદાન કેમ્પ અને રાત્રે ૮.૩૦વાગ્યાથી સ્વર સાધનાનો વેરાયટી શો યોજાશે. સોમવારે રાત્રે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ લોક કલાકારોનો કસુંબલ લોક ડાયરો અને સાંજે ૫.૩૦ વાગ્યે બહેનોની મહેંદી સ્પર્ધામાં લોકો કલા કૌશલ્યના દર્શન કરશે.