રાજકોટમાં ગરીબ પરિવારો સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિવાળી ઉજવશે
સંવેદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ત્રણ હજાર પરિવારોને ફટાકડા, મીઠાઇ અને વસ્ત્રોની કિટ્સ અર્પણ કરશે
મુખ્યમંત્રીશ્રી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા રેસકોર્સના મેદાનમાં યોજવામાં આવેલા દીપોત્સવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
રાજકોટ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દીપાવલી પર્વ ઉજવવાના છે. મુખ્યમંત્રીશ્રી નૂતન વર્ષમાં આ પરિવારોમાં ખુશી આવે એ માટે કિટ્સનું પણ વિતરણ કરવાના છે. આ કિટ્સમાં ફટાકડા, મીઠાઇ તથા વસ્ત્રો છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ પ્રકૃત્તિનો અહેસાસ થતો રહે છે. ગત્ત વર્ષે પણ તેમણે દીવાળીનું પર્વ કચ્છમાં આંતરરાષ્ટ્રીય સીમાડા પર સરહદનું રક્ષણ કરતા જવાનો સાથે મનાવ્યું હતું. આ વર્ષે તેઓ બનાસકાંઠાના નડાબેટ ખાતે જવાનો સાથે દિવાળી પર્વ મનાવી સીધા રાજકોટ ખાતે આવશે.
રાજકોટમાં રૈયાધાર ખાતે વસતા ગરીબ પરિવારો સાથે તેઓ દિવાળી પર્વ મનાવશે. સંવેદનના શીર્ષક હેઠળના આ કાર્યક્રમનું સમગ્ર આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં તેઓ ત્રણ હજાર જેટલી કિટ્સનું વિતરણ કરવાના છે. રૈયાધાર આવાસ યોજનામાં વસતા પરિવારોની તેઓ મુલાકાત પણ લેશે અને બાદમાં તેમની સાથે સંવાદ પણ સાધશે. આ કાર્યક્રમ સાંજના પાંચ વાગ્યે યોજાશે.
તે બાદ સાંજના છ વાગ્યે મુખ્યમંત્રીશ્રી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા રેસકોર્સના મેદાનમાં યોજવામાં આવેલા દીપોત્સવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં જાણીતા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજની નિશ્રામાં અષ્ટલક્ષ્મી પૂજન સહિતના કાર્યક્રમો યોજાવાના છે. જેમાં કર્ણાકટના રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળા પણ સહભાગી બનશે.