રાજયના 24 મુખ્ય યાત્રાધામોમાં ભાજપ સરકારનું સફાઇ અભિયાન
ગુજરાતના અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ર4 પવિત્ર તિર્થધામ ખાતે આગામી અખાત્રીજ અર્થાત શનિવારના શુભ દિને ભાજપ સરકાર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાંઆવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સહીત મંત્રી મંડળના તમામ સભ્યો, સાંસદો અને ધારાસભ્યો દ્વારા મંદિરોની આસપાસ સફાઇ કરવામાં આવશે.
ગુજરાતમાં આવેલા ર4 મુખ્ય તિર્થધામો પૈકી કેટલાક તિર્થધામોની આસપાસ પારાવાર ગંદકી હોવાના કારણે યાત્રીકોમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે.
સોમનાથ, દ્વારકા અને અંબાજી સિવાયના અન્ય તિર્થધામો ખાતે નિયમિત સફાઇ કામગીરી થતી નથી બહુચરાજી અને ડાકોર મંદિર આસપાસ ખુબ જ ગંદકી જોવા મળે છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ફરી ભાજપને ફરી મંદિરો યાદ આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.
અગાઉની સરકાર દ્વારા પણ તિર્થધામોમાં સફાઇ અભિયાન હાથ ધરાશે તેવી ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ આ યોજના માત્ર કાગળ પર જ રહેવા પામી હતી. ફરી એકવાર ભાજપ દ્વારા તીર્થધામોની સફાઇ કરવામાં આવશે.
આગામી શનિવારે અખાત્રીજના પવિત્ર દિવસે ભાજપ સરકાર દ્વારા રાજયના અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, ડાકોર સહિતના ર4 તિર્થધામોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહીત મંત્રી મંડળના તમામ સભ્યો, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત ભાજપના તમામ સંસદ સભ્ય અને ધારાસભ્યો દ્વારા તીર્થધામોમાં પ્રતિકાત્મક સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે.