અબતક, રાજકોટ
રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ સૌનો સાથ, સૌનો વિકાસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.01/08/2021ના રોજ શ્રીમતી જયાલક્ષ્મી પાઠક પ્રા. શાળા નં.19ના નવનિર્માણ પામેલ બિલ્ડીંગનું તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ અવસરે, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમના વક્તવ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવતીકાલના તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, અમે પાંચ વર્ષની ઉજવણી કરવા નથી નીકળ્યા, પણ ડંકાની ચોટ પર એ કહેવા નીકળ્યા છીએ કે, સરકારે જે કઈ કહ્યું તેના કરતા પણ વધુ કામ કરી બતાવ્યું છે. પાંચ વર્ષમાં સરકારે ગુજરાતના તમામ ક્ષેત્રોને આવરી લેતો સર્વાંગી વિકાસ કરી, નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવામાં સફળતા મેળવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, સંવેદનશીલ મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકારે ગુજરાતના વિકાસને આગળ ધપાવતા અસંખ્ય નિર્ણયો કર્યા છે. આપણું રાજ્ય આજે પ્રગતિના નવા શિખર સર કરી રહ્યું છે. જેના થકી ગુજરાતવાસીઓને આપણી સરકાર સંવેદનશીલ, પારદર્શક, નિર્ણાયક અને પ્રગતિશીલ છે તેની પ્રતીતિ કરાવી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલએ કહ્યું હતું કે, કોઈ સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણી થાય તેવું પ્રથમવાર બની રહ્યું છે. આજથી લોકાર્પણ-ખાતમુહુર્ત સહિતના કાર્યક્રમોનું તા.01 થી 09 ઓગસ્ટ સુધી આયોજન કરાયું છે અને તેમાં પાંચ વર્ષમાં સરકારે કરેલા કાર્યોનો હિસાબ આપવામાં આવી રહ્યો છે. જે બતાવે છે કે, સરકાર કેટલી સક્રિય રહી છે. મુખ્યમંત્રી શિક્ષણ ક્ષેત્ર પર ખુબ જ ભાર મૂકી રહ્યા છે અને એટલે જ આ 9 દિવસની ઉજવણીની શરૂઆત આજે જ્ઞાનશક્તિ દિવસ થી થઇ છે. સરકારે કરેલા કાર્યોથી સરકારી શાળાઓ પરનો લોકોનો વિશ્વાસ વધ્યો છે. આ માટે મુખ્યમંત્રીને અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ.
આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ કહ્યું હતું કે, આ ધરતીનો પ્રભાવ જુઓ. શ્રીમતી જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા. શાળા નં.19માં અભ્યાસ કરનાર વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષથી ગુજરાતનું શાસન સંભાળી રહ્યા છે. કોરોના કાળમાં વિશ્વનું અર્થતંત્ર ખોરવાયું હતું. આ એક મોટો પડકાર હતો. આ સમયમાં પણ માન.મુખ્યમંત્રીએ લાંબી લડત ચલાવી, ગુજરાતને હેમખેમ પાર ઉતાર્યું છે. ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે કરેલા વિકાસને પરિણામ આજે ડ્રોપ આઉટ રેશીયો ઘટ્યો છે. ક્ધયા કેળવણી માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
મેયરે વધુમાં કહ્યું હતું કે, રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શિક્ષણનું સ્તર ઉચું લઇ જવા અને તેની ગુણવતામાં ઉતરોતર વધારો કરવા માટે પોતાની ભૂમિકા ખુબ સારી રીતે નિભાવી છે. શહેરના છેવાડાના બાળકોને પણ શિક્ષણ મળી રહ્યું છે. રાજકોટના બાળકો શ્રેષ્ઠ નાગરિક બને અને વૈશ્વિક સ્તરે રાજકોટનું નામ રોશન થાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે.
આ તો ફક્ત જનતાની સુખાકારીનો કાર્યક્રમ છે. પરંતુ વિરોધીઓ સંવેદનશીલતા સામે અસંવેદનશીલતા અને વિકાસની સામે વિનાશની વાતો કરી રહ્યા છે. એ સ્વાભાવિક છે કે, કમળો હોય એને પીળું દેખાય. લોકોએ 50-50 વર્ષ તેમને મોકો આપેલ પરંતુ શા માટે તેઓએ કામો ન કર્યા? હવે તો તેઓ વિરોધ પક્ષને લાયક પણ નથી રહ્યા. હાલમાં, 18000 સ્થળેથી રૂ.15,000 કરોડના વિકાસ કામો થઇ રહ્યા છે. સરકારનું સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. સરકારે ચાલુ સાલના બજેટમાં શિક્ષણ માટે રૂા.31000 કરોડ ફાળવ્યા છે. શિક્ષણ એ સમાજના વિકાસની આધારશિલા છે. શિક્ષણના વ્યાપથી જ રાજ્ય વિકાસના નવા શિખરો સર કરશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવતા અને મુલ્ય પર ભાર અપાયો છે. આજે શાળાના 1000 ઓરડાનું લોકાર્પણ કર્યું છે. બ્લેકબોર્ડના બદલે આજે 12000 સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ થયું છે. છેવાડાના ગામોમાં પણ સ્માર્ટ ક્લાસ, ડીજીટલ ક્લાસ, ઈન્ટરનેટ, બ્રોડબેન્ડની સુવિધા ઉભી કરી, દુનિયાના જ્ઞાનને મુઠીમાં સમાવી લીધું છે. શિક્ષણમાં આધુનિકતા લાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ છે. શાળાનું તમામ સ્તરે સતત મોનિટરિંગ થઇ રહ્યું છે. આપણે સ્કુલ ઓફ એકસેલન્સ તરફ જઈ રહ્યા છીએ જેનાથી કોઈપણ વૈશ્વિક પડકાર ઝીલવા આપણો યુવાન સક્ષમ બન્યો છે. વિરોધીઓ કાન ખોલીને સંભાળી લ્યે કે, છેલ્લા પાંચ વર્ષમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી, સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અમે પબ્લીસીટી નહિ, પણ કામ કરી રહ્યા છીએ. રૂા.8000ની કિમતનું નવું ટેબ્લેટ ફક્ત રૂા.1000માં આપી રહ્યા છીએ. કોગ્રેસે આટલા વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે કઈ કર્યું નથી. કોંગ્રેસના સમયમાં 11 યુનિવર્સિટી હતી અત્યારે 77 યુનિવર્સિટી છે. ભાજપ સરકારે રાજ્યમાં ફોરેનીસિક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, આયુર્વેદિક યુનિવર્સિટી, યોગા યુનિવર્સિટી શરૂ કરાવી છે. તેમજ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ક્રાંતિકરી ફેરફારો કર્યા છે. અગાઉ તક્ષશિલા, નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠ ખાતે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હતા તેમ હાલ વિદેશથી 10,000થી વધુ વિદ્યાર્થીઓ આવે તેવું પ્લાનીંગ થઇ રહ્યું છે. સ્ટાર્ટ ઓફ ઇનોવેશનમાં ગુજરાત સૌથી મોખરે છે અને રહે છે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જે શિક્ષણ ચારિત્ર અને વિવેકનું સર્જન કરે તે જ સાચું શિક્ષણ છે. તે બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષણ ક્ષેત્રે કામો થઇ રહ્યા છે.
બાદમાં, મુખ્યમંત્રીના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પ્રતિકરૂપે નમો ટેબ્લેટ, શોધ સહાય તેમજ શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક સહાય અર્પણ કરવામાં આવ્યો છે. શ્રીમતી જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા. શાળા નં.19માં બિલ્ડીંગમાં શાળાના જરૂરી 6(છ) રૂમના બાંધકામ માટે રૂા.34.01 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. જેમાં ગ્રીન બોર્ડ, સોફ્ટ બોર્ડ, ઈલેક્ટ્રીક કનેક્શન, પાથ વે અને પાણીની સુવિધા કરવામાં આવેલ છે. સદર શાળામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બિલ્ડીંગ ગ્રાઉન્ડ + 2 માળામાં 100 દીકરીઓનો સમાવેશ કરી શકાય તેવા બિલ્ડીંગના બાંધકામ મારે રૂા.138.53 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. જેમાં, દીકરીઓને રહેવા માટે ડોરમેટ્રી નં.04, રસોડું અને સ્ટોરરૂમ નં.01, ડાઈનીંગ રૂમ નં.01, ક્લાસરૂમ નં.01, એક્ટીવીટી રૂમ નં. 02, વોર્ડન રૂમ નં.01, એમ 10 રૂમ તેમજ ઓફીસ, નાહવાના બાથરૂમ, ટોયલેટ બ્લોક અને પાણીની સુવિધા, પાથ-વે સાથે બિલ્ડીંગમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજ્ય કચેરી દ્વારા દીકરીઓ માટે બેડિંગ, કબાટની સુવિધા પુરી પાડવામાં આવનાર છે