ખોડલધામમાં રાજકીય આગેવાનોના આંટાફેરા વઘ્યાં

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી ત્યારે તનતોડ મહેનતથી રાજકીય પક્ષો એ પ્રચાર શરુ કરી દીધો છે. ગુજરાતમાં ઠેર ઠેર યાત્રાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે રાહુલ ગાંધીની ખોડલ ધામની મુલાકાત બાદ ગઇકાલે  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુલાકાત લઇ માતાજીના દર્શન કર્યા હતા. જો કે દર્શન કર્યા બાદ વિજયભાઇ રૂપાણીએ ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે બંધબારણે એક બેઠક યોજી હતી જયાં મીડીયાને પ્રવેશથી દુર રખાયું હતું. જે ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી હવે દેશનું ભાવી નકકી કરે તેવી અનુમાન બની ગયું છે. ત્યારે ચુંટણી નજીક આવતા અનેક રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર માટે ધાર્મીક સ્થળોની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ધાર્મીક સ્થળ રાજકીય અખાડો બની ગયું હોય તેવું સ્પષ્ટ પણે વર્તાઇ  રહ્યું છે. વિજયભાઇ રૂપાણીએ ખોડલ ધામના દર્શનાર્થે ગઇકાલે સાંજે ગૌરવ યાત્રા લઇને પહોચ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા અને ખુશી વ્યકત કરી હતી ખોડલમાં ના આશીર્વાદ મેળવી ગૌરવ યાત્રા આગળ ધપાવી હતી. હાર્દિક પટેલ, રાહુલ ગાંધી અને હવે રૂપાણીએ ખોડલ ધામની મુલાકાતથી લોકોમાં પણ ચર્ચાઇ રહ્યું છે કે ચુંટણી આવે છે એટલે નેતાઓ ધાર્મીક સ્થળોની મુલાકાતે આવે છે. જયારે ખોડલ ધામના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે ખોડલ ધામએ સૌ માટે દર્શનનું સ્થળ છે અને તમામ લોકો અહી દર્શનાર્થે આવી શકે છે. અહિં કોઇ રાજકીય અખાડો નથી ત્યારે વિજયભાઇ રૂપાણી સાથે બંધબારણે ખોડલધામ ટ્રસ્ટીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજાતા શું અનુમાન કરવું તે વિચારી શકાય છે ? શા માટે બેઠકથી મીડીયાને દુર રખાયું તે અંગે કોઇ સ્પષ્ટતા પણ નહતી કરાઇ. આથી વિધાનસભાની ચુંટણીમાં પાટીદારોને આકર્ષવા આ બેઠકોનો દોર શરુ થયો હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.