શહેર અને જીલ્લામાં શૈક્ષણિક અને આરોગ્ય વિષયક જાગૃતિ લાવવા કલેકટર ડો. રાહુલ ગુપ્તાનો નવતર પહેલરૂપ પ્રયોગ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૧ બાળકોને શૈક્ષણિક કિટ આપીને પ્રોત્સાહીત કર્યા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ જીલ્લાના ખાસ વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે ફરનારી વિઝડમ ઓન વ્હિલ્સ એટલે કે વાઉ બસને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવેલી આ નવતર પહેલરુપ વાઉ બસ, રાજકોટ શહેર અને જીલ્લાના ખાસ વિસ્તારોમાં વસતા શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ફરવાની છે.
ઉતરાયણના પાવન પર્વે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એરપોર્ટ પરથી સીધા વાઉ બસને નિહાળવા માટે પહોચ્યા હતા. જયાં તેમને રીબીન કાપી હતી અને બાદમાં વાઉ બસમાં શિક્ષણ માટે રાખવામાં આવેલી સુવિધાઓને નિહાળી હતી.
તત્પઘાત મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ ૧૧ બાળકોને વાઉ કિટસ આપી હતી. આ કિટસમાં શિક્ષણને લગતા સાધનો રાખવામાં આવ્યા હતા. જે બાળકોને ભણવા માટે ઉપયોગી નિવડે એવા છે. મુખ્યમંત્રીએ પ્રેમપૂર્વક આ બાળકોને ભણીગણી દેશનું નામ રોશન કરવા સમજાવ્યા હતા. એ બાદ મુખ્યમંત્રીએ ઝંડી આપીને વાઉ બસને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તકે વિયજભાઇ રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે વિસ્ડમ ઓન વિલ્સ આ જે કાર્યક્રમની શરુઆત કરી છે, તેનાં પ્રત્યેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે એ ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય છે. જે બાળકો શાળાએ જતા નથી એવા બાળકોની પાસે આ વિલ ઉપરની શાળા જશે અને તેમને ભણાવશે અને જ્ઞાન આપશે., રાજકોટ જીલ્લામાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે ઉદ્દેશ્યથી એક આધુનિક શિક્ષણ સાથેની ફેસેલીટી ધરાવતી વાઉ બસ શરુ થઇ છે.
આ વેળાએ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મેયર બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજુભાઇ ધ્રુવ, મેહુલભાઇ રુપાણી, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, કમિશ્નર બી.એન.પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.
કેવી રીતે કામ કરશે WOW બસ?
વાઉ પ્રોજેકટ હેઠળ એક ખાસ પ્રકારની બસ પહેલથી જ સર્વે કરવામાં આવેલા વિસ્તારોમાં ફરશે અને ત્યાં જઇ બાળકોને સહશૈક્ષણિક પ્રવૃતિ કરાવશે. જેથી બાળકમાં શિક્ષણ પ્રત્યેની અભિરુચિ જાગૃત થાય. બાદમાં બાળકનું તેમની નજીકની શાળામાં નામાંકન કરાવવામાં આવશે. સાથે બાળકના વાલીઓને પાંચ ઉમદા વિષય શિક્ષણ, સ્વાસ્થ્ય, કૌશલ્ય નિર્માણ, સ્વચ્છતા અને સામાજીક જાગૃતિ અંગેની પ્રવૃતિ કરાવવામાં આવશે. સમયાંતરે શેરી નાટકોના પ્રયોગ પણ કરવામાં આવશે. બાળકોને તારા મંડળની પણ માહીતી આપવામાં આવશે.
અનેક વિધ સુવિધાથી સજજ છે WOW બસ
વાઉ પ્રોજેકટ બસમાં વિવિધ પ્રકારની સુવિધા હશે. બાળકોને સહશૈક્ષણિક પ્રવૃતિ કરાવવા માટે એક શિક્ષક રાખવામાં આવશે. બસમાં રમકડા, ચિત્રકામ માટે કલર, મેગ્નેટિક વ્હાઇટ બોર્ડ, પ્રોજેકટ પાંચ લેપટોપ અને એક પીસી આર્ટસ અને ક્રાફટસના સાધનો, વોશબેઝીન, પ્રાથમીક સારવારના સાધનો, સેનટરી નેપકિન વેન્ડીંગ મશીન, લખવા માટે પાટી રાખવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ સાથે મીટીંગ કરી શકાય એ માટે એક ફોલ્ડીંગ શેડ બનાવવામાં આવ્યો છે. જયાંથી પ્રોજેકટ ઉપર વિવિધ વિષયોની જ્ઞાતવર્ધક ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે.
સ્વચ્છતા અને આરોગ્યનું શિક્ષણ પણ અપાશે
બાળકોમાં રોજબરોજના જીવનમાં સ્વચ્છતા સારી આદતો કેવી રીતે કેળવી શકાય એનું જ્ઞાન આપવામાં આવશે. બસમાં એક સેનટરી નેપકીન વેન્ડીંગ મશીન પણ રાખવામાં આવી છે. જેમાંથી સેનટરી નેપકીન કોઇ પણ મહીલા સંકોચ વિના મેળવી શકાશે. આ ઉપરાંત મહિલાઓને સેનટરી નેપકીન કેવી રીતે બનાવ શકાય એનું પણ જ્ઞાન આપવામાં આવશે. આવા પરિવારોને ડેડીકેટેડ ખાનગી તબીબોની પેનલ પાસે આરોગ્યલક્ષી સેવા વિનામૂલ્યે મેળવી શકાશે. આર્થિક, સામાજીક પ્રવૃતિને ઘ્યાને રાખીને સર્વે કરવામાં આવેલા રાજકોટ શહેર તથા જીલ્લાના વિસ્તારોમાં આ બસ ફરશે.
સરકારી કલ્યાણકારી યોજના વિશે પણ જાગૃતા ફેલાવાશે
વાઉ બસમાં શિક્ષિત બેરોજગારોને લેપટોપ થકી કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવશે. જેમાં યુવાનોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપી તેમને પગભર બનાવવા પ્રયત્ન કરવામાં આવશે. વિશેષત: રાજય અને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેમ કે આ યોજના સ્વચ્છ ભારત ઉજવલા વિગેરે વિશે જે તે વિસ્તારોમાં લોકોને માહિતગાર કરવામાં આવશે. આ અભિનવ પહેલમાં એનસીસી એનએસએસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા અન્ય સ્વૈચ્છીક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે.