સંત-સમુદાયનાં સહયોગ અને સરકારના દૂરંદેશી નિર્ણયથી યાત્રા-પ્રવાસના અનોખા ધામ તરીકે જૂનાગઢનો સર્વાંગી વિકાસ થશે”
ગરવા ગિરનારની તળેટીમાં દર વર્ષે ભરાતા જગ-વિખ્યાત ભવનાથના મેળાને ‘લઘુ કુંભમેળા’નો દરજ્જો આપીને આવતા વર્ષથી આ મેળો ‘મિનિ કુંભમેળા’ તરીકે ઉજવવાની અને ગિરનાર તીર્થના સર્વાંગી વિકાસ માટે ‘ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી’ રચવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાતને ભાજપના સિનિયર અગ્રણી તેમજ ‘ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે ઉમળકાભેર આવકાર આપ્યો છે. સાધુ-સંતો અને ભાવિકોની લાંબા સમયની લાગણી અને માગણી ધ્યાનમાં લઇ ગિરનારના તમામ પગથિયાંની મરામત, નવિનીકરણ કરવાની મુખ્યમંત્રીની જાહેરાતને પણ તેમણે વધાવી લીધી છે. શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, જુનાગઢ અને ગિરનાર તીર્થના સર્વાંગી વિકાસનો માર્ગ હવે મોકળો થઇ ગયો છે. દુનિયાના યાત્રા-પ્રવાસ-પર્યટનના નકશામાં હવે જુનાગઢ અનોખું સ્થાન પ્રાપ્ત કરશે તે નિશ્ચિત છે.
રાજુભાઇ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રીના નિર્ણય થકી આવનારા દિવસોમાં ગિરનાર તીર્થના વિવિધ સ્થળોની માળખાગત સુવિધાઓમાં મોટો વધારો થશે. યાત્રિકોની સુખાકારી માટે સંખ્યાબંધ વિકાસ કાર્યોમાં વેગ આવશે એટલું જ નહીં, રોજગારીની તકોમાં પણ ઘણો વધારો થશે. જૂનાગઢની ધાર્મિક અને ઐતિહાસિક બાબતો વૈશ્વિક ફલક સુધી ઝડપભેર પહોંચતી થશે. ગિરનાર તીર્થક્ષેત્રનાં વિકાસ માટે રાજ્ય સરકારે વિવિધ આયામો થકી અનેકવિધ પગલાં લીધા છે.
ગિરનાર તીર્થક્ષેત્રનાં પરિસર અને આસપાસનાં ધર્માલયોને સામુદાયિક રીતે વિકાસનાં ફલક પર લઇ જવાની કામગીરી ‘ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી’ની રચના થકી વેગવાન બનશે એમ જણાવી રાજુભાઇ ધ્રુવે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવતાં ઉમેર્યુ હતું કે, તુલનાત્મક દ્રષ્ટીએ જોઈએ તો તીરૂપતિ અને વૈશ્ણોદેવીનાં પહાડીતીર્થોની સમકક્ષ ગિરનાર તીર્થક્ષેત્રનાં વિકાસના દરવાજા હવે ખુલી ગયા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ઉપાધ્યક્ષ ધ્રુવે ગત વર્ષે દેશનાં અન્ય રાજ્યોનાં મહત્વના યાત્રાસ્થળોનો પ્રવાસ ખેડીને ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેના આધારે ‘ગિરનાર સ્વાયત સત્તામંડળ’ની રચના કરવાની દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ રજુ કરી હતી અને ગિરનાર તીર્થક્ષેત્રને વિકાસની ડગર પર આગળ લઇ જવા માટે સ્વાયત સત્તામંડળની રચના આવશ્યક હોવાનો વિગતવાર પ્રસ્તાવ મૂક્યો હતો.
‘ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટી’ શા માટે જરૂરી છે એની વિશ્લેષણાત્મક વાત કરતાં રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે, ગિરનાર તીર્થક્ષેત્ર આપણી પ્રાચીન આધ્યાત્મિક પરંપરાનું અનોખું કેન્દ્ર છે. અહીં ધર્મસ્થળો સાથે પર્યટનની વિપુલ તકો રહેલી છે. ગિરનાર અને આસપાસમાં વિવિધ ધર્મ/સંપ્રદાય અને માન્યતાઓની ધરોહર સાથે અનેક ધર્માલયો ધમધમે છે. દર વર્ષે યોજાતા શિવરાત્રી અને લીલીપરિક્રમાનાં લોકમેળા અહીં દેશ વિદેશનાં ભાવિકોને આવકારે છે. પરબધામ-વાવડી, આપગીગાનું સમાધી સ્થાન સતાધાર, દેવતણખી-મજેવડી, બિલખાનું શેઠ શગાળશા-ચંગાવતી રાણીની પવિત્ર ધરાનું ચેલૈયાધામ, નાગબાઇ મોણીયા, સરસઇનું સંત રોહિદાસ તીર્થ, મેંદરડાનું ચોરેશ્વર ધામ, સ્વામિનારાયણ સંપ્રદાયની દિક્ષાભૂમિ લોએજ, ચણકા ગામે આવેલી ચ્યવનઋષિની તપોભુમિ-ચ્યવનેશ્વરધામ, પિપલાણા, પંચાળા અને જૂનાગઢ જૂનુમંદિર સહિત ગિર અને ગિરકાંઠાનાં કનકાઇ માતાજી, બાણેશ્વર મહાદેવ, શ્રીબાઇ આશ્રમ તાલાળા, માધુપુર, ભીમદેવળ, વામનસ્થલી સહિત કનરા ડુંગરની શહાદતી વાતો અને મોટીધણેજની આયુર્વેદાચાર્ય ધન્વંતરી તીર્થ શ્વેતવડની ધાર્મિક જગ્યા ગિરનાર તીર્થની મહત્તામાં ગરિમાપૂર્ણ વધારો કરે છે; કાર્તિકી પૂર્ણિમાએ યોજાતો લીલીપરિક્રમાનો લોકમેળો વન અને જનને સાંકળીને પ્રાકૃતિક શિક્ષણની ભાત પૂરે છે. સાથે અશોકનો શીલાલેખ અને અન્ય પુરાતત્વીય સ્મારકો તેમજ પ્રવાસીઓને આવકાર આપતી ઉપરકોટની અંદરની પ્રાચીન ધરોહરો જેવી કે, રાણકદેવીનો મહેલ, ખાપરાકોડીયાની ગુફાઓ, બાવાપ્યારેની ગુફા, ખેંગાર વાવ, અડીચડી વાવ, નવઘણકુવો, બૈાધ્ધ ગુફાઓ ધર્મની દ્રષ્ટીએ અદકેરું સ્થાન ધરાવે છે.
જૂનાગઢને સૌથી વધુ આકર્ષે તેવી જો કોઇ શ્રધ્ધાના કેન્દ્રની વાત હોય તો ભક્તકવિની સ્મૃતિને ઊજાગર કરતો નરસિંહ મહેતાનો ચોરો, દામોદરકુંડ, મુચકુંદ ગુફા, રેવતીકુંડ, બલરામ, દામોદરરાયજીનાં મંદિરો અને વલલ્ભાચાર્યજીની બેઠક પણ સોનરખ સરિતા તટે યાત્રિકોને આકર્ષે છે. ગિરનાર વનપ્રદેશની અંદર આવેલા બોરદેવી, સુરજકુંડ, ઝીણાબાવાની મઢી, ઈન્દ્રેશ્વર તથા આત્મેશ્વરની ધાર્મિક જગ્યાઓ પણ અનન્ય શ્રધ્ધાના કેન્દ્ર છે. આમ, અનેક બાબતોને આવરી લેતા ગિરનાર તીર્થક્ષેત્રની આગવી વિશેષતાઓ છે, ત્યારે આ તીર્થક્ષેત્રના સામુદાયિક વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની રચનાની જાહેરાત થતાં ગિરનાર તીર્થક્ષેત્રનો એક સ્વતંત્ર સત્તામંડળના નેજા તળે વિકાસ થવાનું તોરણ બંધાયું છે તેમ જણાવી રાજુભાઇ ધ્રુવે રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીનો ફરી એકવખત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી જૂનાગઢનાં વિકાસના અભૂતપૂર્વ નિર્ણયને આવકાર્યો હતો.