લોકોને કોરોના મુક્ત બનાવવા રાજ્ય સરકારની કટિબદ્ધતાને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા સિવિલ હોસ્પિટલના તબીબો, આરોગ્ય કર્મીઓ
હેલો, કેમ છો? તમે ક્યારથી હોસ્પિટલમાં એડમિટ થયા છો ? ત્યાં તમને કેવી સારવાર મળે છે ? તમારી તબિયતમાં સુધારો થયો છે ? તમને જમવાનું કેવું મળે છે ? આ સંવેદનાસભર શબ્દો છે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના.
કોરોનાની મહામારી સામે આજે જ્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે, તેવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના નાગરિકોને આરોગ્યની સુખાકારી માટે દિવસ-રાત કાર્યરત રહેવાની સાથે ગુજરાતના લોકોને કોરોના મુક્ત બનાવવા માટે સંવેદનશીલતાની સાથે કટિબધ્ધ બની કામ આરંભ્યુ છે. જેની પ્રતીતિરાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓને થઈ હતી.
મુખ્યમંત્રીએ ગાંધીનગર બેઠા બેઠા સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લઇ ત્યાં દાખલ થયેલા દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ કોવિડ હોસ્પિટલમાં તેમને કેવી સારવાર આપવામાં આવી રહી છે? તે બાબતની પણ સઘન પુચ્છા કરી હતી.
મુખ્યમંત્રીના લાગણીસભર શબ્દો સાંભળીને કોરોના વોર્ડમાં દાખલ થયેલા કિડનીની બિમારીના કારણે ડાયાલિસિસની સાથે કોરોના પોઝિટિવ રહેલા મેહુલભાઈ જાદવએ હોસ્પિટલમાં તેમનેઅપાતી સારવાર માટે સંતોષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને અહીંયા ખૂબ જ સારી ટ્રીટમેન્ટ મળે છે. કોઈ જ પ્રકારની તકલીફ નથી.
આવીજ વાત કિશોરભાઈ રામાવતે કરી હતી. કિશોરભાઈ પણ ડાયાલિસિસની સાથે કોરોનાની સારવાર માટે દાખલ થયા છે, તેઓએ પણ જણાવ્યું હતુ કે, અહીંયા અમારી ખૂબ જ સારી સંભાળ લેવામાં આવે છે, અહીંના ડોક્ટરો તથા આરોગ્યના કર્મચારીઓ બહું સારા છે, અને અમને દવાની સાથે સમયસર સારૂં જમવાનું પણ મળે છે.
કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા વિપુલ ગોસ્વામીએતો મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર નથી મળતી એ વાત સદંતર ખોટી છે.
કોરોના મહામારી વચ્ચે કોરોનાગ્રસ્ત લોકોને કોરોના મુક્ત બનાવવા રાજ્ય સરકારની કટિબધ્ધતાને સિવિલ હોસ્પિટલના તબીબો, આરોગ્ય કર્મીઓ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.