મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અઘ્યક્ષસ્થાને સાત શહેરોના આઇએમએના પ્રમુખ- હોદેદારો સાથે કોરોના નિયંત્રણ અંગે ઇ-સંવાદ યોજાયો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે હોસ્પિટલ, બેડ અને અન્ય સંસાધનોની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. આવા સમયે રાજ્યના ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ શાખાના તબીબો કોરોના મહામારી સામેની લડતમાં વહીવટી તંત્ર સાથે જોડાય તે સમયની માંગ છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતેથી મુખ્ય સાત શહેરોના આઈ.એમ.એ. પ્રમુખ-હોદ્દેદારો સાથે કોરોના નિયંત્રણ અંગે ઇ-સંવાદ યોજાયો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલના કપરા સમયમાં જ્યાં જરૂર પડે ત્યાં જિલ્લા કલેકટર-કમિશનરના નેજા હેઠળ તમામ ખાનગી તબીબો કોરોના દર્દીની સારવાર માટે વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. કોરોના મહામારી સામેની લડતમાં તબીબો જ સેનાપતિ છે અને તેમના સહયોગથી જ આ જંગ જીતી શકીશું, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, જિલ્લામાં કોવિડ બેડની સંખ્યામાં વધારો કરવા અને તંત્રને મદદરૂપ થવા પ્રાઇવેટ નર્સિંગ હોમ કોરોનાના દર્દીઓ માટે પથારી અનામત રાખે તે ઇચ્છનીય છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે આઇએમએના સભ્યો સાથેના ઇ-સંવાદમાં જણાવ્યું હતું કે, રાજ્યભરના આઇએમએનાના તબીબો ફેમિલી ડોક્ટરની જેમ ટેકનોલોજીના માધ્યમથી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કોરોનાના દર્દીનું કાઉન્સિલીંગ-સારવાર કરે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. આપણે કોરોનાના દર્દીને ફોન ઉપર કે વીડિયો કોલના માધ્યમથી તેની સાથે વાતચીત કરીને સારવાર આપી શકીએ અને જરૂર જણાય તો જ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપીએ આમ કરવાથી સામાન્ય લોકોમાં કોરોનાનો ડર ઓછો થશે.
આ ઇ-સંવાદ દરમિયાન રાજ્યના આઇએમએનાના હોદ્દેદારોએ કોરોના મહામારી સામેનો જંગ જીતવા સરકારને જરૂરી તમામ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બેઠકની શરૂઆતમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં કોરોના સંક્રમણ અને આરોગ્ય માળખાની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત આંકડાકીય વિગતો આપતું પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં તેઓએ રાજ્યમાં છેલ્લા એક મહિનામાં કોરોના ટેસ્ટની સંખ્યા 46 હજારથી વધારીને 1.59 લાખ થઇ હોવાનું, બેડની સંખ્યામાં 34 હજારનો વધારો, ચાર લાખ રેમડેસિવીર ઇન્જેક્શનનું વિતરણ અને અત્યાર સુધી વેક્સિનના એક કરોડ ડોઝ અપાયા હોવાનું જણાવ્યું હતું.