- ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી
ગુજરાત ન્યુઝ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી છે. કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું.મુખ્ય સચિવ શ્રી રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના ૧૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે.કર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે.
એટલું જ નહીં, કર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર ૦૫૫૭૧૦૦૪૧ અને ૦૫૫૦૦૫૫૩૮ પણ ૨૪x7 કાર્યરત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.ત્યાંની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે. એટલું જ નહીં, શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોવાથી વિદ્યાર્થીઓને વતન પરત આવવા એરલાઇન્સ ઓપરેશન્સ પણ કાર્યરત છે.
રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વહીવટી તંત્ર આ વિદ્યાર્થીઓની સલામતી માટે સંકલન કરી રહ્યું છે.