વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ સહિતના વિસ્તારોને નિહાળ્યા : જૂનાગઢમાં અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક પણ યોજી

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ સહિતના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો.

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને ગીર સોમનાથ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં આભ ફાટ્યું હતું અને સમગ્ર વિસ્તારનો જળબંબાકાર કરી દીધો છે. તેમજ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ આજે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યું છે.

ગીર સોમનાથ અને જુનાગઢ સહિતના સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળતા અનેક તાલુકાઓ બેટમાં ફેરવાય ગયા છે. તેમજ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મકાનને નુકસાન થયું છે તથા ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં પહેલા ધોરાજીમાં આભ ફાટ્યું હતું, ત્યાર બાદ સુત્રાપાડામાં અતિભારે વરસાદ વરસ્યો હતો અને બાદમાં માંગરોળ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં કેશોદમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરિક્ષણ કરી હતી. તેમજ જુનાગઢમાં અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ કરી હતી. આ સિવાય મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે વહીવટી તંત્ર સાથે પણ એક બેઠક પણ યોજી છે.

સૌરાષ્ટ્રમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ અને જુનાગઢ બાદ દ્વારકામાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. અતિ ભારે વરસાદને કારણે ભાટિયાથી ઓખામઢી રેલવે ટ્રેકને નુક્સાન થયું હતું, જેના પગલે ઓખા જતી ટ્રેન ખંભાળિયા રોકી દેવામાં આવી હતી અને 700 મુસાફરોને બસ મારફતે દ્વારકા મોકલાયા હતા. આ સાથે જ હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે અને વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.