ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિ અટકાવવાના પ્રયાસ રૂપે બેંકના સહયાગેથી
126 લાભાર્થીઓને ચેક અપાયા ગૃહમંત્રીએ યુવાઓ સાથે કર્યો સંવાદ
અમરેલી રાજયના ગૃહ અને રમતગમત રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચેક વિતરણ અને યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિ અટકાવવાના પ્રયાસરુપે બેંક્સના સહયોગથી યોજવામાં આવેલા જિલ્લા પોલીસ આયોજિત લોન-ધિરાણ કેમ્પને, રાજયના ગૃહ અને રમતગમત રાજયમંત્રી હર્ષ સંઘવીએ દીપ પ્રાગટ્ય કરી ખૂલ્લો મૂક્યો હતો. જિલ્લાના 126 લાભાર્થીઓને ચેક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજયમંત્રી એ જિલ્લાના યુવાઓ સાથે યુવા સંવાદ પણ કર્યો હતો. ગૃહ અને રમતગમત રાજયમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, રાજયના મધ્યમવર્ગીય અને નાના પરિવારોને વ્યાજના દૂષણમાંથી ઉગારવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિ અટકાવવાની કામગીરી કરી હજારો ઘરમાં આશાના નવા દીપ પ્રગટાવનાર અમરેલી જિલ્લા પોલીસ ટીમને મંત્રી એ આ તકે અભિનંદન પાઠવ્યા હતા. મુદ્રા યોજના મારફતે 160થી વધુ લોકોને વ્યાજદૂષણમાંથી મુક્ત કરી નવજીવન આપવામાં આવ્યું. તેમણે વેપારીઓને વધુ વેપાર માટે શુભકામનાઓ પાઠવી હતી.વધુમાં રાજયમંત્રીએ કહ્યુ કે, જિલ્લાના યુવાનોને રમતગમતનું પ્લેટફોર્મ મળી રહે તે માટે જિલ્લાના લાલાવદર ખાતે રુ.19 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ મંજૂર કરવામાં આવ્યું હોવાની વિગતો જણાવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, અમરેલીના ઘરેણા સમાન રાજમહેલનો રુ.27 કરોડના ખર્ચે જીર્ણોધ્ધાર કરવામાં આવશે. આજે જામનગર ખાતે નવી 116 બસ લોકાર્પણ કરવામાં આવી તેમાં અમરેલી જિલ્લા માટે પણ બસ સેવાઓનો લાભ મળશે.
વધુમાં મંત્રીએ જણાવ્યુ કે, જિલ્લાના વિકાસ માટે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિતના કાર્યરત છે. વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કાર્યોમાં સહભાગી થવા મંત્રી એ નાગરિકોને અનુરોધ કર્યો હતો.શહીદ મનિષભાઇ મહેતાના પરિવારજનો માટે નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયાએ પોતાનો પ્રથમ પગાર આપી દેતા તેમને અભિનંદન પણ મંત્રી એ પાઠવ્યા હતા.નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. શાબ્દિક સ્વાગત સાથે જિલ્લા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે જણાવતા જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘે જણાવ્યુ કે, ધંધા-વ્યવસાયના કામ માટે નાણાકીય સહાયની આવશ્યકતા રહે છે ત્યારે નાના વ્યવસાયકારો-વેપારીઓ દ્વારા વ્યાજ કે ચક્રવૃધ્ધિ વ્યાજ ભરીને પણ લોન લઇ પારિવારિક કે આરોગ્યલક્ષી કાર્ય માટે ફરજ પૂર્ણ કરવામાં આવે છે. ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિ અટકાવવાની કામગીરી હાથ ધરી જિલ્લા પોલીસ દ્વારા 130 લોકદરબાર યોજવામાં આવ્યા, જેમાં 4,460 નાગરિકોએ ભાગ લીધો. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકોને જાગૃત્ત કરવામાં આવ્યા. બેંકના સહયોગથી 780 લોન મેળાઓ યોજીને મુદ્રા યોજના હેઠળ નાગરિકોને લાભાન્વિત કરવામાં આવ્યા છે.
જેસીંગપરા રાસ મંડળી દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કેવલભાઇ મહેતા અને અર્જુનભાઇ દવે દ્વારા કરવામાં આવ્યું હતુ. આભારવિધી નાયબ જિલ્લા પોલીસ અધિકારી હરેશ વોરા દ્વારા કરવામાં આવી હતી. અંધજન શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું.બાળા પર થયેલા અત્યાચાર સામેના કેસમાં, વિનામૂલ્યે કાયદાકીય સેવા પૂરી પાડનારા ઉદયન ત્રિવેદીનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યુ હતુ.ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની અમરેલી ખાતેની પ્રથમ મુલાકાત હતી તે વખતે તેમને સરપ્રાઇઝ આપવા માટે શું કરી શકાય? કૌશિકભાઇ વેકરિયાના તે વિચારને વધાવી લઇ યુવાનેતા અને વાંચક અને અભ્યાસુ એવા અર્જુનભાઇ મનિષભાઇ દવે દ્વારા 24 કલાકથી પણ ઓછાં સમયના ટૂંકાગાળાામાં રાજયમંત્રી હર્ષ સંઘવીના વ્યક્તિત્વ પર કવિતાનું સર્જન કર્યુ હતુ. અર્જુનભાઇ દવેના આ શબ્દાંકનને સ્વર વિજયભાઇ વાળાએ અને સંગીત દ્વારકેશભાઇ જોષી દ્વારા આપવામાં આવ્યું. મંત્રીશ્રી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં, આ કાર્યક્રમમાં આ ગીતને રજૂ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ, જિલ્લા પંચાયત, નગરપાલિકા, જિલ્લા ભાજપ, પત્રકારશ્રીઓ સહિતની ટીમ દ્વારા વિવિધ મેમેન્ટો આપી ગૃહ અને રમતગમત રાજયમંત્રી હર્ષ સંઘવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયા, હિરાભાઇ સોલંકી, જનકભાઇ તળાવિયા, જે.વી. કાકડીયા, મહેશભાઇ કસવાળા, ભાવનગર રેન્જ આઇ જી ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાળા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ, યુવાનો અને પોલીસ કર્મીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.