અબતક,સંજય ડાંગર
ધ્રોલ
રોલેક્ષ એસ.એન.કે. કોવિડ સેન્ટર રાજક્ોટ તરફથી એક સાથે 10 જેટલી લાઈવ ટેસ્ટ એન્ડ કેર કોરોના એમ્બ્યુલન્સનું લોકાર્પણ પાટડી ઉદાશી આશ્રમનાં મહંત પરમ પૂજ્ય ભાવેશબાપુના કરકમલો વડે ધ્રોલ ખાતે કરવામાં આવ્યું હતું. રોલેક્ષ એસ.એન.કે કોવિડ સેન્ટર રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર બનાવવામાં આવ્યું છે. ત્યાં 500 બેડનું અદ્યતન સારવાર સાથે અનુભવિ ડોકટરો દ્વારા દર્દીઓની નિ:શુલ્ક અને સુવ્યવસ્થિત સારવાર કરાવવામાં આવે છે. રોલેક્ષ એસ.એન.કે. કોવિડ કેર સેન્ટર દ્વારા લોકોને વધુ સારી રીતે અને વ્યવસ્થિત સારવાર આપી શકાય એ હેતુથી આજે ધ્રોલનાં ત્રિકોણબાગ ખાતે પાટડી ઉદાશી આશ્રમના મહંત પરમ પૂજ્ય ભાવેશબાપુના કરકમલોથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કોવિડ એમ્બ્યુલન્સ ધ્રોલ તાલુકાનાં 42 ગામોમાં જઈને ઘેર-ઘેર કોવિડનાં રેપીડ ટેસ્ટ કરશે. પોઝિટિવ કે જરૂરિયાતમંદ દર્દીઓને રાજકોટ ખાતે આવેલ રોલેક્ષ એસ.એન.કે. કોવિડ સેન્ટરમાં વિનામુલ્યે અદ્યતન સારવાર અપાશે. આ પ્રસંગે ધ્રોલ સી.એચ.સી. સેન્ટરના ચંદુભા ચુડાસમા, મહાવીર સેવા સમિતિના યુવાનો, અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, રોલેક્ષ એસ.એન.કે. કોવિડ સેન્ટર કપરાકાળમાં દર્દીઓની વહારે આવ્યું છે. તેઓની આ કામગીરીને પાટડી ઉદાશી આશ્રમના પૂજ્ય ભાવેશબાપુએ બિરદાવી હતી. રોલેક્ષ એસ.એન.કે. દ્વારા કુલ 10 એમ્બ્યુલન્સ દર્દીઓ માટે ફાળવવામાં આવી છે. આ સેવાયજ્ઞનો ધ્રોલ ખાતેથી પૂજ્ય ભાવેશબાપુના હસ્તે શુભારંભ થયો છે. હવે વિવિધ સેન્ટરોમાં આ એમ્બ્યુલન્સોની ફાળવણી કરવામાં આવનાર છે.
ગરીબ દર્દીઓની સારવાર માટે રોલેક્ષ- એસ.એન.કે. દ્વારા ચાલતો સેવાયજ્ઞ સરાહનીય: પૂજ્ય ભાવેશબાપુ
પાટડીના ઉદાશી આશ્રમના પૂજ્ય ભાવેશબાપુએ જણાવ્યું હતું કે, રોલેક્ષ એસ.એન.કે. ગ્રુપ દ્વારા કોરોનાની મહામારીમાં દર્દીઓને સારવાર આપવાની જે સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે તે સરાહનીય છે. તેઓ દ્વારા યુનિવર્સિટી રોડ ઉપર 500 બેડની હોસ્પિટલ કાર્યરત છે. તેઓનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે, ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર મળે અને તેઓ ઝડપથી સાજા થાય. આ ઉપરાંત તેઓએ દર્દીઓ માટે 10 એમ્બ્યુલન્સ પણ સેવામાં મુકવાનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું છે. એક સાધુ તરીકે હું તેમને આશિર્વાદ આપું છું કે, ભગવાન તેમની યશ, નામના તેમજ કિર્તી વધારે, તેઓ આવી જ રીતે સેવાકાર્યોમાં અગ્રેસર રહી દર્દીઓની વહારે રહે. વધુમાં પૂજ્ય ભાવેશબાપુએ જણાવ્યું કે, ભગવાનને હું પ્રાર્થના કરૂ છું કે, આ મહામારી ઝડપથી દૂર થાય અને સમસ્ત માનવજાત ઉપરનું સંકટ ટળે.