પોલીસ ખોટા કેસ કરતાં હોય આવતીકાલે આત્મવિલોપન કરશે તેવો પત્ર મુખ્યમંત્રી, ગૃહમંત્રીને લખ્યો

ઉપલેટાનાં પૂર્વ નગરસેવક અને મુસ્લિમ અગ્રણીએ પોલીસ પોતાના પાન-બીડીનાં ધંધા ઉપર ખોટા કેસ કરી હેરાન કરતી હોવાથી પોતે જાતે તા.૨૫મીએ આત્મવિલોપન કરી લેશે તેવા પત્રો મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આઈ.જી. સહિતનાંઓને લખતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉપલેટા વોર્ડ નં.૯નાં પૂર્વ નગરસેવક અને વર્તમાન નગરસેવકનાં પિતા રજાકભાઈ ઓસમાણભાઈ હિંગોરાએ રાજયનાં મુખ્યમંત્રી, ગૃહરાજયમંત્રી, ગૃહસચિવ, રેન્જ આઈ.જી., જીલ્લા પોલીસ વડા, ધારાસભ્ય, સંસદ સભ્ય સહિતનાઓને પત્ર લખી જણાવેલ કે ઉપલેટા શહેરમાં છેલ્લા ૫૦ વર્ષથી રહું છું અને લોકોનાં સાથ અને સહકારથી છેલ્લી ૩ ટર્મ થયા. ઉપલેટા નગરપાલિકાનાં સેવક તરીકે હું અને મારો પરિવાર ચુંટાઈ આવીએ છીએ. છેલ્લા ૧૨ વર્ષમાં પોલીસે મારી ઉપર અનેક વખત ખોટા વરલી મટકાનાં કેસો કરી મને ખોટી રીતે હેરાન કરી ત્રાસ આપેલ છે.

શહેરમાં ઘણી જગ્યાએ ખુલ્લેઆમ વરલી મટકા, દારૂનાં હાટડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે ત્યારે પોલીસને હું અને મારો પરિવાર કેમ દેખાય છે. ઘણી જગ્યાએ વરલીનાં આંકડા પોલીસની મીઠી રહેમરાહે ચાલી રહ્યા છે ત્યાં કેમ પોલીસ આંખ આડા કાન કરે છે. હું છેલ્લા ૧૦ વર્ષ થયા પંચાટડી વિસ્તારમાં ચા-પાન-બીડીની દુકાન ચલાવી મારું ગુજરાત ચલાવું છું કોઈ વરલી મટકા લેતા પકડાય તો પોલીસના માણસો ખુલ્લેઆમ કહે છે કે રજાક હિંગારાનું નામ આપી દે એટલે તને ધંધો કરવા દેશું સરકાર અને તેના અધિકારીઓ એક તરફ એમ કહે છે કે હોટલ હોય ત્યાં સીસીટીવી કેમેરા ફીટ કરવા મેં મારી દુકાનમાં સીસીટીવી કેમેરા લગાડેલા ત્યારે ઘણી વખત પોલીસ તપાસના નામે આવી દુકાનમાં કેરમ રમતા લોકોને વરલી મટકા કે જુગારના ખોટા કેસ કરી પકડી લીધેલા છે.

પોલીસ પોતાની કામગીરી બતાવવા ગમે તેને આરોપી બનાવી ગુનામાં ફિટ કરી દયે છે. ખુદ પોલીસ મારા દુકાનેથી સીસીટીવી કેમેરા અને ડીવીઆર કાઢી લઈ જાય છે તો પોલીસને આવી કાર્યવાહી શા માટે કરે છે ? બે વખત પોલીસ પોતાની ભુલ છુપાવવા સીસીટીવી કેમેરા લઈ ગયેલ છે.

ત્યારે મારી હોટલમાં ૬ સીસીટીવી કેમેરા ન રાખુમાં ગુનો બને છે. રાખુ તો પોલીસ વારા લઈ જાય છે. આખરે હું કંટાળી ૨૫મીએ આત્મવિલોપન કરી જઈશ તે માત્ર પોલીસના ત્રાસથી જ હું આત્મ વિલોપન કરીશ તે પૂર્વ એક પત્ર પણ લખી જઈશ કઈ જગ્યાએ અને કયાં પોલીસવારાએ મારી પાસે કેવી બળજબરી કરી શું-શું મેળવેલ હતું. આ તમામ પોલીસમેન સામે કાર્યવાહી કરવા હું જાહેરમાં જણાવું છું.

નાર્કો ટેસ્ટ કરવા પૂર્વ નગરસેવકની ચેલેન્જ

પૂર્વ નગરસેવક રજાકભાઈ હિંગોરાએ વિવિધ અધિકારીઓને પાઠવેલા પત્રમાં એમ પણ જણાવેલ કે જો મેં પત્ર લખેલ છે તેમાં કોઈ હકિકત ખોટી હોય તો મારો નાર્કો ટેસ્ટ પણ કરવાની મારી તૈયારી છે જેથી કરીને ખરેખર ૧૨ વર્ષ મારા ઉપર કેટલા ખોટા કે સાચા કેસ થયા છે તેની ખબર પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.