70% લોકો 6 કલાકથી ઓછું ઊંઘે છે : 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરાયો સર્વે
જો તમારી ઉંમર 25 થી 40ની આસપાસ હોય અને તમે ઊંઘી શકતા નથી તો તે પ્રેમની નહીં પણ સ્વાસ્થ્યની વાત છે. તાજેતરમાં ઉંઘને લઈને થયેલા સર્વેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. સર્વે અનુસાર જો તમને રાત્રે પૂરતી ઊંઘ ન આવી રહી હોય. જો તમે સવારમાં સુસ્તી અનુભવો છો, તો તમે એકલા નથી. એવા ઘણા લોકો છે જેઓ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ એક રીતે જાહેર આરોગ્યનો નવો પડકાર છે. આ રીતે માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ 40 વર્ષની વયના લોકો પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
એક સામાજિક સંસ્થા એજવેલ ફાઉન્ડેશને ઊંઘ અંગે એક સર્વે કર્યો છે. સર્વેમાં 5 હજાર લોકોની ઊંઘની પેટર્ન વિશે સર્વે કરવામાં આવ્યો છે. લગભગ 70% (3,488) સર્વે ઉત્તરદાતાઓએ 6 કલાકથી ઓછી ઊંઘ લીધી હોવાનું સામે આવ્યું છે. સર્વેમાં ભાગ લેનારા કુલ લોકોમાંથી 2,245 (45%) 40-64 વર્ષની વચ્ચેના હતા. બાકીના 2,755 (55%) વૃદ્ધ વ્યક્તિઓ (65 વર્ષ અને તેથી વધુ) હતા. સર્વેમાં ભાગ લેનાર 2,562 (51%) મહિલાઓ હતી જ્યારે 2438 (49%) પુરુષો હતા. સર્વેમાં સામેલ લગભગ 58% લોકો શહેરી વિસ્તારના હતા.
સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે ભાવનાત્મક, સામાજિક અને જીવનશૈલીની સમસ્યાઓ ઊંઘ ન આવવા માટેનું મુખ્ય કારણ છે. લગભગ 73% (3,668) ઉત્તરદાતાઓએ ઊંઘને અસર કરતા મુખ્ય પરિબળોમાંના એક તરીકે નાણાકીય અને મિલકતની બાબતોને જવાબદાર ગણાવી હતી. ઊંઘની પેટર્નમાં વિક્ષેપના અન્ય કારણો પૈકી, 72% ઉત્તરદાતાઓએ પરિવારના વૃદ્ધ સભ્યો સાથે વિચારો નહીં ભળવાને કારણ બતાવ્યું હતું. નાના અને મોટા પરિવારના સભ્યો (69%) વચ્ચેના અહંકાર-સંબંધિત તકરારને કારણ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. પરિવારના નાના સભ્યો તરફથી આદરનો અભાવ અને દુર્વ્યવહાર (62%) પણ એક કારણ તરીકે સામે આવ્યું હતું. ‘સ્લીપ ડિસઓર્ડર્સ – ઇમર્જિંગ હેલ્થ ઇશ્યૂઝ ઇન ઓલ્ડ એજ’ શીર્ષક ધરાવતા આ સર્વે મે દરમિયાન 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવ્યો હતો.
ન હોય… 56% લોકો ઊંઘથી અસંતુષ્ટ!!
સર્વે દરમિયાન કુલ ઉત્તરદાતાઓમાંથી 52% લોકોએ કહ્યું કે તેઓ સારી ઊંઘ મેળવવા માટે સંઘર્ષ કરે છે. જેમને એવું લાગ્યું તેમાં 56% પુરૂષો અને 44% સ્ત્રીઓનો સમાવેશ થાય છે. લગભગ 75% શહેરી લોકોએ કહ્યું કે તેઓ દિવસમાં 5-6 કલાકથી ઓછી ઊંઘ લે છે. તે જ સમયે 64% ગ્રામીણ લોકો ઓછી ઊંઘમાં સામેલ હતા.
સર્વે દરમિયાન 54% લોકોએ ફરિયાદ કરી હતી કે તેઓ વધતી વય સાથે ઓછી ઊંઘ લે છે. જો કે, લગભગ 32% ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે તેમને તેમની ઊંઘની આદતોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. તે જ સમયે એવા 14% હતા જેમણે દાવો કર્યો હતો કે તેઓ તેમના અગાઉના વર્ષો કરતાં હવે વધુ ઊંઘે છે. એકંદરે, 56% લોકોએ કહ્યું કે તેઓ તેમની વર્તમાન ઊંઘની પેટર્નથી સંતુષ્ટ નથી.
અનિન્દ્રા પાછળ દવાઓ પણ જવાબદાર!!
એજવેલ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ હિમાંશુ રથે જણાવ્યું હતું કે એવું જોવામાં આવ્યું છે કે વૃદ્ધાવસ્થામાં 90% થી વધુ લોકો કોઈને કોઈ દવા લે છે. આમાંના મોટા ભાગના ઊંઘ માટે અનુકૂળ નથી. ઉદાહરણ તરીકે, હાઈ બીપી માટેની કેટલીક દવાઓ આરામ અથવા ઊંઘની ગુણવત્તાને ઘટાડી શકે છે. જ્યારે કેટલીક દવાઓ દિવસ દરમિયાન સુસ્તીનું કારણ બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે નિવૃત્તિ પછીના જીવનમાં ઝડપથી બદલાતી દૈનિક આદતો પણ ઊંઘની ગુણવત્તા ઘટાડવામાં ભૂમિકા ભજવે છે. રથે કહ્યું કે જે લોકો ઓછી સામાજિક ક્રિયાપ્રતિક્રિયાને કારણે એકલતા અનુભવે છે તેઓ પણ ચિંતા અને તણાવમાં વધારો અનુભવી શકે છે.