સમજણ વગરનું ભણતર કે ભણતર વગરની સમજણ !!!
લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓના બાકી રહેલા અભ્યાસક્રમોનું માર્ગદર્શન કેવી રીતે આપવું તે કેન્દ્ર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ માટે યક્ષ પ્રશ્ર્ન
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ હવે ભારતમાં પણ ઝડપભેર પ્રસરી રહ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા કેન્દ્ર સરકારે લગાવેલા લોકડાઉનની સમાજ જીવનના દરેક ક્ષેત્રો પર ભારે અસર થવા પામી છે. તેમાં શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. દેશભરમાં સામાન્ય રીતે માર્ચ, એપ્રિલ માસમાં દરેક વર્ગોની પરિક્ષાઓ લેવામાં આવે છે. ત્યારે ફેબ્રુઆરી માસમાં ભારતમાં ત્રાટકેલા કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે તમામ રાજયો અને કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે તમામ પરિક્ષાઓને રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. હજુ પણ કોરોનાના કેસો વધી રહ્યા હોય લોકડાઉન કયારે ખૂલશે તે નિશ્ર્ચિત નથી ત્યારે દેશભરની સ્કુલો, કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન કયારે ખૂલશે? તે મુદે પણ અસંમજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.
લોકડાઉનના કારણે દેશભરની શાળા કોલેજોમાં પરિક્ષા પહેલા જ રજાઓ જાહેર કરી દેવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને પરિક્ષા પહેલાના આખરી દિવસોમાં તેમના જે તે ધોરણના અભ્યાસક્રમના મહત્વપૂર્ણ જ્ઞાનથી અલિપ્ત રહેવું પડયું હતુ અમુક શૈક્ષણીક સંસ્થાઓએ તેમના વિદ્યાર્થીઓને ખલેલ પહેલા આ અભ્યાસક્રમો અંગે ઓનલાઈન માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આવી સંસ્થાઓનાં ઓનલાઈન શિક્ષણ આપવાની આવડત વગરના શિક્ષકો અને ઈન્ટરનેટની કનેકટીવીટીના પ્રશ્ર્નો વગેરેના કારણે વિદ્યાર્થીઓને આવા વિષયોનું અધકચરૂ જ્ઞાન જ મળવા પામ્યું હતુ જેથી આવી શૈક્ષણીક સંસ્થાઓનો ઓનલાઈન એજયુકેશન આપવાનો આ પ્રયાસ ચોરના વાદે, ચણા ઉપાડવા સમાન પૂરવાર થવ પામ્યો હતો.
આવી શૈક્ષણીક સંસ્થાઓનાં ઓનલાઈન એજયુકેશન આપવાના અનુભવ વગના શિક્ષકોના કારણે વિદ્યાર્થીઓને જે અધકચરૂ જ્ઞાન મળ્યું છે. તેના કારણે આગળ જતા વિદ્યાર્થીઓમાં દ્વિર્ઘા ઉત્પન્ન થવાની સંભાવના ઉભી થવા પામી છે. ઉપરાંત, ઈન્ટરનેટની કનેકટીવીટીના પ્રશ્ર્નોના કારણે ઘરે બેઠા ભણી રહેલા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ઘર્ષણ ઉભુ થવા પામ્યું હતુ.; આ ઘર્ષણનાં કારણે વિદ્યાર્થીઓ પર વાલીઓનો માનસીક તણાવ ઉભુ થવા પામ્યો હતો. જે પણ વિદ્યાર્થીકાળ માટે અતિ ગંભીર બાબત ગણી શકાય હાલમાં વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણીક સંસ્થાઓ દ્વારા લોકડાઉનના કારણે બાકી રહેલા વિષયોનું જ્ઞાન આપવામાં આવ્યું નથી. તેવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ આગળના ધોરણમાં ગયાબાદ આગલા ધોરણમાં પાયાના જ્ઞાનના અભાવે મુશ્કેલી ઉભી થવાની સંભાવના છે.
હાલમા હજુ સુધી લોકડાઉન કયારે ઉઠશે તે નિશ્ર્ચિત નથી લોકડાઉન ઉઠ્યાબાદ પણ થોડા સમય પછી જ સ્થિતિ થાળે પડયા પછી જ શાળા, કોલેજોને શરૂ કરવામાં આવશે. કારણ કે, શાળા, કોલેજોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થતા હોય કોરોના વાયરસ ફેલાવવાની સંભાવના વધી જતી હોય છે. હવે જયારે શાળા- કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠાથતા હોય કોરોના વાયરસ ફેલાવવાની સંભાવના વધી જતી હોય છે. હવે, જયારે શાળા, કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ થશે ત્યારે પહેલા તો વિદ્યાર્થીઓને ગત વર્ષે બાકી રહેલા વિષયોનું જ્ઞાન આપવું જરૂરી બનશે જે માટે સરકારે વેકેશન ટુંકાવવાની માંડીને શિક્ષણ કાર્યમાં સમય વધારવાની જરૂર પડશે તે નિશ્ર્ચિત છે. આમપણ, શિક્ષકો પાસે સરકાર દ્વારા અનેક્પ્રકારની કામગીરી કરાવવામાં આવતી હોય તે વચ્ચે આ કાર્યકરવું અધરૂ છે. કોરોનાએ ખેદાન મેદાન કરેલા શિક્ષણ સિસ્યમને પાટે ચડાવવાની બાબત પડકાર રૂપ સાબિત થનારી છે.
નવા શૈક્ષણિક સત્રથી સીબીએસઈ પરીક્ષા પઘ્ધતિમાં ફેરફાર કરશે
રાષ્ટ્રીય કક્ષાનું પરીક્ષા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજયુકેશન એટલે કે સીબીએસઈએ આગામી શૈક્ષણિક સત્રથી ધો.૯ થી ૧૨નાં વર્ગોની પરીક્ષા પઘ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ધો.૯ અને ૧૦ માટે ૨૦ ટકા અને ધો.૧૧ અને ધો.૧૨ માટે ૧૦ ટકા પ્રશ્ર્નો કેસ આધારીત કે સોર્સ આધારીત બહુવૈકલ્પિક એટલે કે એમસીકયુ પ્રશ્ર્નો રહેશે. જયારે બાકીના પ્રશ્ર્નો ટુંકા અને લાંબા પ્રશ્ર્નો આધારીત જ રહેશે. આવુ કરવા પાછળ બોર્ડનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનો છે. પરીક્ષાની પેટર્નમાં કરવામાં આવેલા આ નિર્ણય આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦થી કરવામાં આવશે તેમ બોર્ડનાં એક પરીપત્રમાં જણાવાયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાઘ્યાપકો નવા સત્રથી એક કલાક વધારે ભણાવશે
લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓને પરિક્ષા પહેલા અનેક મહત્વપૂર્ણ અભ્યાસ ક્રમોનું જ્ઞાન મળવવાનું અધુરુ રહી જવા પામ્યું છે. તેથી, વિદ્યાર્થીઓને ગયેલા આ નુકશાનની ભરપાઇ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાઘ્યાપકોએ એક આવકારદાયક નિર્ણય લીધો છે. જે મુજબ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી વિદ્યાર્થીઓને દરરોજ એક કલાક વધારાનો અભ્યાસ કરવાનો પ્રાઘ્યાપકોએ સ્વૈચ્છાએ નિર્ણય લીધો છે. ઉપરાંત યુનિવર્સિટીના અતિ મહત્વપૂર્ણ ભવનો જેવો કે સાયન્સ, એમબીએ, શિક્ષણશાસ્ત્ર વગેરેમાં પ્રાઘ્યાપકો દ્વારા વિડીયો કોન્ફરસીંગ મારફતે વિદ્યાર્થીઓને તેમના બાકી રહેલા અભ્યાસક્રમનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેથી વિદ્યાર્થીઓને જ્ઞાનમાં અધુરપ રહી જવા પામે નહીં.
ઉનાળુ વેકેશનમાં ઓનલાઇન એજયુકેશન શરૂ કરવા માનવ સંશાધન મંત્રાલયની વિચારણા
કોરોના વાયરસનો ફેલાતો રોકવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓનું પરિક્ષા પહેલાનું છેલ્લા તબકકાનું શિક્ષણ કાર્ય બગડવા પામ્યું છે. હજુ, લોકડાઉન ત્યારે ખુલશે તે નિશ્ર્ચિત નથી. જેથી, આ મુદ્દે વૈકલ્પિક રસ્તાઓ વિચારવા માટે યુજીસીનીના નિષ્ણાંતોની એક પેનલ માનવ સંશાધન મંત્રાલય દ્વારા બનાવવામાં આવી હતી. આ પેનલો મંત્રાલયને જે અહેવાલ સોંપ્યો છે તે મુજબ વિદ્યાર્થીઓને આગલા વર્ષમાં જે અભ્યાસ ક્રમનું જ્ઞાન મળ્યું નથી તે અભ્યાસક્રમોને ઉનાળુ વેકેશન દરમ્યાન ઓનલાઇન માર્ગદર્શન આપવામાં આવે તેવી ભલામણ કરી છે. ઉપરાંત આ પેનલની ભલામણ મુજબ માનવ સંશાધન મંત્રાલયે સીબીએસએઇ અને તમામ રાજય પરિક્ષા બોર્ડોને લોકડાઉન ખુલે તે બાદ ઉનાળુ વેકેશન ટુંકાવીને તુરંત નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા સલાહ આપી છે આ સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમનું જ્ઞાન ન મળ્યું હોય તે આપવા પણ જણાવાયું છે.