ઘરના દરવાજે ઉભેલા વૃધ્ધાને સરનામું પૂછવાના બહાને રૂ.45 હજારનો ચેઇન આંચકી લીધો
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.જેમાં સાધુ વાસવાણી રોડ પર પોતાના ઘરના દરવાજા પાસે ઉભેલા વૃધ્ધને સરનામું પૂછવાના બહાને એક શખ્સ તેમનો સોનાનો ચેઈન ઝૂંટવી લઈ ફરાર થયો હતો. આ મામલે પોલીસ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
બનાવની માહિતી અનુસાર મીલપરાના પેનોરમા એપાર્ટમેન્ટમાં રહેતા કોકીલાબેન અશોકભાઈ શાહ (ઉ.વ.67) વૃંજનવિહાર સોસાયટીમાં રહેતા જેઠ નરેન્દ્રભાઈ શાહના ઘરે બે દિવસથી રોકાવા ગયા હતા. આજે સવારે પાટીદાર ચોક પાસે આવેલા જૈન દેરાસરે પતિ સાથે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત જેઠના ઘરે જવા નિકળ્યા હતા. ઘરના દરવાજા પાસે પહોંચતા આશરે 30 થી 35 વર્ષનો યુવાન આવ્યો હતો.જેણે કોકીલાબેનને પુછયું પટેલભાઈ કયાં રહે છે, જેથી તેમણે કહ્યું કે અમો અહીંયા મહેમાન છીએ, એટલે અમને ખબર નથી.
ત્યારબાદ દરવાજાથી અંદર જતા હતા બરાબર ત્યાંજ તે યુવાને પાછળથી ગળામાં હાથ નાખી રૂા.45 હજારની કિંમતનો સોનાનો ચેઈન ઝુંટવી લીધો હતો . તે સાથે કોકીલાબેનના પતિએ પિંછો કર્યો હતો. તે વખતે તે યુવાન કાળા કલરના એકસેસ ઉપર ભાગતો જોવા મળ્યો હતો.પાડોશીઓના સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ આગળ તપાસ હાથધરી છે.