- રેલવે વિભાગ દ્વારા અપાઇ મંજૂરી: રેલવે ટ્રેકને નુકશાની ન થાય તે રીતે સેન્ટ્રલ પોર્શન તોડવાની કામગીરી 10 દિવસમાં પૂર્ણ થશે
- શહેરના જામનગર રોડ પર હયાત સાંઢીયા પુલની જગ્યાએ કોર્પોરેશન દ્વારા 74 કરોડના ખર્ચે ફોરલેન બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન રેલવે વિભાગની મંજૂરીના વાંકે છેલ્લા ઘણા સમયથી બ્રિજની કામગીરી બંધ જેવી છે.
- તાજેતરમાં રેલવેએ મંજૂરી આપતા હવે આવતીકાલથી સાંઢીયા પુલનો સેન્ટ્રલ પોર્શન ડાયમંડ કટીંગ મશીનથી તોડવાનું શરૂ કરવામાં આવશે. આ ટેકનોલોજીના કારણે રેલવે ટ્રેકને કોઇ નુકશાન થશે નહિં અને 10 દિવસમાં 12 મીટર બાય 10 મીટરનો આ સેન્ટ્રલ પોર્શન તોડી પાડવામાં આવશે. ત્યારબાદ બ્રિજની કામગીરીને વેગ મળશે.
લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગૂ પડે તે પૂર્વે સાંઢીયા પુલ બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. 74 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજનો નિર્માણ કામ મહેસાણાની ચેતન ક્ધસ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું છે.
એરપોર્ટના બગીચા તરફનો સાંઢીયા પુલનો ભાગ તોડી પાડવામાં આવ્યો છે. દરમિયાન સેન્ટ્રલ પોર્શન તોડવા માટે રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવતી ન હતી. જેના કારણે છેલ્લા બે મહિનાથી બ્રિજની કામગીરી બંધ જેવી છે. તાજેતરમાં સેન્ટ્રલ પોર્શન તોડવા માટે બહાલી આપી દેવામાં આવી છે. આવતીકાલથી ડાયમંડ કટીંગ મશીન દ્વારા સેન્ટ્રલ પોર્શન તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 12 મીટર બાય 10 મીટરનો સેન્ટ્રલ પોર્શન તોડવાની કામગીરી લગભગ 10 દિવસ સુધી ચાલશે. આ મેથડનો ઉપયોગ કરવાથી રેલવે ટ્રેકને કોઇપણ પ્રકારનું નુકશાન થશે નહિં અને બીજી દુર્ઘટના સર્જાવાની સમસ્યા પણ લગભગ ખતમ થઇ જશે. કટ્ટર દ્વારા થોડો થોડો ભાગ તોડવામાં આવશે. દિવાળી સુધીમાં લગભગ સેન્ટ્રલ પોર્શન તોડવાનું કામ પૂર્ણ થઇ જશે ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ચોક તરફ સાંઢીયા પુલને તોડવાનું કામ શરૂ કરવામાં આવશે. ટૂંકમાં હવે બ્રિજની કામગીરીને વધુ વેગ મળશે.