મોદી સરકાર રોજગારને લઈને એક્શન મોડમાં છે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં 10 લાખ પદો પર ભરતી થઈ શકે છે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ’પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે.
આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.
મોદી સરકારનો આ નિર્ણય રોજગાર ઈચ્છતા યુવાનો માટે મોટા સમાચાર છે. ઉલ્લેખનીય છે કે 1 માર્ચ, 2020ની સ્થિતિએ કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ જગ્યાઓ ખાલી હતી. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે હાલમાં આ આંકડો વધીને 10 લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્યો છે.