- મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
- ગૃહ મંત્રાલયએ સૂચના બહાર પાડી
- રાજ્યમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે
મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રાજ્ય વિધાનસભાનું સત્ર બોલાવવાની અંતિમ તારીખ 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી, જેણે રાજકીય અનિશ્ચિતતામાં વધુ વધારો કર્યો હતો.
President rule in Manipur: કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું છે. મહત્વનું છે કે તાજેતરમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું.
મણિપુરના નવા મુખ્યમંત્રીના ચહેરા પર રાજ્યના ભાજપના ધારાસભ્યો વચ્ચે કોઈ સહમતિ બની શકી નથી. નવા નેતાની પસંદગી માટે ઘણી પાર્ટી બેઠકો યોજાઈ હતી પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું.
દોઢ વર્ષથી હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે ત્રણ દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ, મણિપુરના નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અટકળો ચાલી રહી હતી. આખા દેશની નજર આના પર મંડાયેલી હતી.
મુખ્યમંત્રીએ આપ્યું હતું રાજીનામું
મણિપુરમાં 21 મહિના કરતા વધુ સમયથી મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસા થઈ રહી છે. આ હિંસામાં ઘણા લોકોના મોત પણ થયા છે. ત્યારબાદ મણિપુરની ભાજપ સરકારમાં રાજ્યની કમાન સંભાળી રહેલા બિરેન સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામ પર સહમતિ માટે ભાજપના નેતાઓ વચ્ચે બેઠકો શરૂ થઈ હતી. મણિપુર પ્રભારી સંબિત પાત્રા દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં હતા. આ વચ્ચે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું એવા સમયે આવ્યું હતું જ્યારે કોંગ્રેસ તરફથી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ આવવાનો હતો. રાજ્યના સીએમ એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરી 2025ના રોજ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને અર્ધલશ્કરી દળના અધિકારીઓએ આજે રાજભવનમાં બેઠક યોજી હતી. આ દરમિયાન અધિકારીઓએ તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની તૈનાતી અને ઓપરેશનલ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
બંધારણના આર્ટિકલ 174(1) હેઠળ રાજ્ય વિધાનસભાએ પોતાની અંતિમ બેઠક બોલાવવી ફરજીયાત છે. મણિપુરમાં છેલ્લું વિધાનસભા સત્ર 12 ઓગસ્ટ 2024ના બોલાવવામાં આવ્યું હતું. પરંતુ પાછલા દિવસોમાં બુધવારે વિધાનસભા સત્ર બોલાવવાની સમયમર્યાદા ખતમ થઈ ગઈ હતી.
નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું હતું
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે”મને એટલે કે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને, મણિપુર રાજ્યના રાજ્યપાલ તરફથી એક અહેવાલ મળ્યો છે. અહેવાલ અને પ્રાપ્ત અન્ય માહિતી પર વિચાર કર્યા પછી મને સંતોષ છે કે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેમાં તે રાજ્યનું શાસન ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર ચલાવી શકાતું નથી.તેથીહવે હું બંધારણના અનુચ્છેદ 356 દ્વારા આપવામાં આવેલી સત્તાઓ અને તે માટે મને સક્ષમ બનાવતી અન્ય તમામ સત્તાઓનો ઉપયોગ કરીને આથી જાહેર કરું છું કે હું મણિપુર રાજ્ય સરકારના તમામ કાર્યો અને તે રાજ્યના રાજ્યપાલ દ્વારા સોંપાયેલ અને ઉપયોગમાં લેવામાં આવતી તમામ સત્તાઓ, ભારતના રાષ્ટ્રપતિ તરીકે સંભાળું છું.
મણિપુર જ્ઞાતિની હિંસા સામે લડી રહ્યું હતું
ઉલ્લેખનીય છે કે, મણિપુર લાંબા સમયથી જાતિય હિંસા સામે ઝઝૂમી રહ્યું હતું. રાજ્યમાં વારંવાર હિંસા અને અશાંતિ જોવા મળી હતી. જેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. બિરેન સિંહ લાંબા સમયથી મણિપુરમાં બગડતી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ ફોરેન્સિક લેબને લીક થયેલી ઓડિયો ટેપ પર રિપોર્ટ કરવા માટે નિર્દેશ આપ્યા બાદ તેમનું રાજીનામું આવ્યું, જેમાં સિંહને કથિત રીતે એવું કહેતા સાંભળવામાં આવે છે કે રાજ્યમાં જાતિ હિંસા તેમની વિનંતી પર ઉશ્કેરવામાં આવી હતી. આ અંગે વિપક્ષી દળોએ ભાજપ પર આરોપ લગાવ્યો કે પોતાની સરકારને પડતી બચાવવા માટે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીના ડરથી સિંહને મોડેથી પદ પરથી હટાવવામાં આવ્યા.
ભાજપ નેતાઓ વચ્ચે બેઠકનો દોર
મણિપુરમાં બિરેન સિંહના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે. મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસાને લઈને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બનેલી છે. ગત રવિવારે એન. બિરેન સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવવા માટે ભાજપ નેતાઓની બેઠકનો દોર શરુ થઈ ગયો હતો. જો કે, હવે રાજ્યમાંમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે.
મણિપુર વિધાનસભા ભંગ કરવાનો આદેશ
બિરેન સિંહના રાજીનામા બાદ ભાજપ સામે નવા મુખ્યમંત્રીની પસંદગીનો પડકાર છે. સૂત્રોના જણાવ્યાનુસાર, નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત આગામી બે દિવસમાં થઈ શકે છે. રાજ્યમાં અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીઓને કારણે ભાજપ પર પણ દબાણ હતું. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ કલમ ૧૭૪ (૧) હેઠળ વિધાનસભા ભંગ કરવાનો આદેશ આપ્યો. આ આદેશ મણિપુર વિધાનસભા સચિવ કે મેઘજીત સિંહ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 12મી મણિપુર વિધાનસભાનું સાતમું સત્ર બોલાવવામાં આવ્યું હતું, પરંતુ મુખ્યમંત્રીના રાજીનામાને કારણે આ સત્ર શરૂ થઈ શક્યું નહીં.