- ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો: ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સ્ટોકને જોતા સરકારે મંજૂરી આપી
National News : ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. નિકાસના આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે. ગત 2023ના વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે હવે હટાવી લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી. ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે, લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની હતી.
ડુંગળીના ભાવ આસમાને ગયા હતા. જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને કારણે ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા. આ બાદ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા ન હતા. જેને કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યુ હતું. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા હતા. તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. દેશભરમાંથી ખેડૂતો ડુંગળી પરથી નિકાસનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યા હતા. આખરે સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતો ફરીથી નિકાસ કરી શકશે. ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા અને ખેડૂતો પાયમાલ થયા હતા ત્યારે ગોંડલ અને મહુવામાં ખેડૂતોએ નેશનલ હાઇવે બંધ કરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. લાલ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હતા.
એક બાજુ સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતાં એક જ દિવસમાં ભાવમાં કડાકો થયો હતો. ડુંગળીની નિકાસ બંધ થતાં અનેક દિવસ બજારમાં હરાજી બંધ રહી હતી. આજે ડુંગળીની હરાજી ફરી શરૂ થતાં ભાવ ગગડી ગયા છે. ડુંગળીના ભાવ રાતોરાત ગગડી જતાં ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
વર્ષ 2022-23માં 25.25 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી
ભારતે નાણાકીય વર્ષ 2022-23માં 25.25 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી, જ્યારે તેણે 2021-22માં 15.37 લાખ ટન અને 2020-21માં 15.78 લાખ ટનની નિકાસ કરી હતી. ગયા વર્ષે ભારતે બાંગ્લાદેશ અને પશ્ચિમ એશિયામાં સૌથી વધુ ડુંગળીની નિકાસ કરી હતી. ડુંગળી વિદેશમાં ન જાય તે માટે સરકારે 40% સુધીની નિકાસ ડ્યૂટી લગાવી હતી. હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે.
મફતના ભાવે ડુંગળી વેચાઈ ગયા બાદ પ્રતિબંધ હટાવવો શું કામનું?: ખેડૂતોનો બળાપો
હાલ એક પણ ખેડૂતના ઘરમાં કે ખેતરમાં ડુંગળી બચી જ નથી. ખેડૂતોએ પોતાની મહામહેનતે પકાવેલી ડુંગળી પાણીના ભાવે વેચી નાખ્યા બાદ લેવાયેલા આ નિર્ણયથી કોઈ ખેડૂતને લાભ થવાનો નથી. આ નિર્ણયથી વેપારીની સાથે વચેટીયાઓને લાભ મળશે અને લોકોને ડુંગળીનાં ઉંચા ભાવ ચૂકવવા પડશે. આ નિર્ણય બે મહિના અગાઉ લેવામાં આવ્યો હોત તો ચોક્કસ ખેડૂતોને તેનો લાભ મળે તેમ હતો. પરંતુ હવે આ નિર્ણયથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને વિવિધ ખેડૂતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.