કોરોના ડરો મત… સાવચેતી જરૂરી…
ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જો કે ભારતમાં ચિંતા જેવી કોઈ વાત નથી પણ પરિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરની નીતિ પ્રમાણે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. અને લોકોને ગભરાવવાની નહિ પણ સાવચેત રહેવાની સલાહ આપી છે. વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. દરમિયાન ગઈકાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. કોવિડ-19 પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની બેઠકમાં કોરોના પર દર અઠવાડિયે આરોગ્ય મંત્રાલયની સમીક્ષા બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી છે.
ભીડવાળી જગ્યાએ લોકોને માસ્ક પહેરવાની સલાહ, એરપોર્ટ ઉપર સ્ક્રીનીંગ શરૂ,
દરેક પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવાનો નિર્ણય
મીટીંગમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે અત્યારે ગભરાવાની જરૂર નથી. દરેકને ભીડમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. દર અઠવાડિયે સ્વાસ્થ્ય મંત્રાલયમાં સમીક્ષા બેઠક થશે. પૂરતી માત્રામાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય નક્કી કરશે કે આગળ શું પગલાં લેવાના છે. હાલમાં કોઈ નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી.
કેન્દ્ર સરકારે પહેલાથી જ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ કોવિડ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ લેબને દરરોજ મોકલવા સૂચના આપી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી તમામ રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “જાપાન, યુએસએ, રિપબ્લિક ઓફ કોરિયા, બ્રાઝિલ અને ચીનમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળાને જોતા, કોવિડ પોઝિટિવના નવા પ્રકારને ટ્રેક કરવાનું છે. કેસોના જિનોમ સિક્વન્સિંગ માટે તૈયારી કરવી જરૂરી છે.”
રાજ્યમાં ઓમિક્રોનના BF7 વેરિયન્ટનો એક પણ એક્ટિવ કેસ નથી
ગુજરાત રાજ્યમાં કોરોના- ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી. જેની વધું વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF 7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. જેમાં વિગતે જોઇએ તો અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝીટીવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જી.એસ.આર.બી. સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો રીપોર્ટ 20 સપ્ટેમ્બરના રોજ પોઝીટીવ આવ્યો હતો. આ પુરૂષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી. આ દર્દી હોમઆઇસોલેશનમાં જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ.તદ્અનુસાર વડોદરાના 61 વર્ષીય મહિલાનો કોવિડ રીપોર્ટ પોઝીટીવ
આવતા દર્દીનું તેનું જીનોમ સિકવન્સીંગ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું હતુ, .જેનો રીપોર્ટ 19 નવેમ્બરના રોજ પોઝીટીવ જણાઇ આવ્યો હતો.આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવીને સ્વસ્થ થયું હતુ. અન્ય એક દર્દી અમદાવાદના 57 વર્ષીય પુરુષ દર્દીને 11મી નવેમ્બરના રોજ કોવિડ પોઝીટીવ આવતા તેનું પણ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો 20મી ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં જ સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ. આમ ઉપરના ત્રણેય દર્દીના ઓમિક્રોન વેરિયન્ટના BF7 વેરિયન્ટના રીપોર્ટ પણ પોઝીટીવ જણાઇ આવ્યા છતા તેઓ હોમ આઇસોલેશનમાં જ સામાન્ય સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે.જેથી લોકોએ ગબરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસથી રાખીએ.
કોરોનાની સમીક્ષા માટે વડાપ્રધાન મોદીએ બોલાવી તાકીદની બેઠક
ચીનથી લઈને જાપાન અને અમેરિકા સુધી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. તેને લઈને હવે ભારતમાં પણ કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા તાકીદની બેઠક બોલાવી છે.આ પહેલા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા નથી, પરંતુ વેરિઅન્ટને ઓળખવા માટે સર્વેલન્સ અને ટ્રેકિંગ જરૂરી છે.
ચીનની સ્થિતિ અંગે WHOએ વ્યક્ત કરી ચિંતા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે ચીનમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોના અહેવાલો અંગે સંસ્થા “ખૂબ ચિંતિત” છે, કારણ કે દેશે મોટાભાગે તેની ’શૂન્ય કોવિડ’ નીતિ છોડી દીધી છે જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે.તેમણે કહ્યું હતું કે યુએન એજન્સીને ચીનમાં કોવિડ-19ની ગંભીરતા વિશે વધુ માહિતીની જરૂર છે, ખાસ કરીને હોસ્પિટલો અને સઘન સંભાળ એકમોમાં
દાખલ દર્દીઓ, જેથી “સંપૂર્ણ જોખમનું મૂલ્યાંકન કરી શકાય. “ડબ્લ્યુએચઓ ચીનમાં ગંભીર રોગના વધતા જતા કેસોના અહેવાલો વચ્ચે બદલાતી પરિસ્થિતિ વિશે ખૂબ જ ચિંતિત છે,” તેમણે કહ્યું.