દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના કલેક્ટર અને એસપી આપશે બેઠકમાં હાજરી
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આવતીકાલે રાજકોટ આવવાની છે. આ ટિમ અહીં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદ જિલ્લાની તૈયારીઓની સમીક્ષા કરવાની છે. સાતેય કલેક્ટર અને એસપી આ બેઠકમાં હાજરી આપવાના છે.
વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીમાં દિવસો બાકી રહ્યા છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણીને લગતી તૈયારીઓ પૂર્ણતાને આરે પહોંચી છે. તેવામાં કેન્દ્રીય ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશનર રીદેશકુમાર અને તેમની ટીમ હાલ ગુજરાત પ્રવાસે તૈયારીઓની સમીક્ષા અર્થે આવેલી છે.
આ ટિમ આવતીકાલે રાજકોટ આવવાની છે. અહીં આ ટીમ રાજકોટ સહિતના 7 જિલ્લાઓની તૈયારીઓની કલેક્ટર કચેરી ખાતેથી સમીક્ષા કરવાની છે. આ સમીક્ષા બેઠક માટે તમામ જિલ્લાના કલેક્ટર અને એસપી અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે.
આ બેઠકમાં કેન્દ્રીય ચૂંટણી પંચની ટિમ જરૂરી તમામ તૈયારીઓ ચકાશશે બાદમાં અધિકારીઓને સૂચન આપશે. હાલ પંચની ટિમ અહીં રાત્રી રોકાણ કરશે કે કેમ તે જાહેર કરાયુ નથી. અહીંથી ટિમ જૂનાગઢ જવાની છે. જ્યાં સોમવારે પાંચ જિલ્લાની સમીક્ષા બેઠક યોજવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.