ચારેય ખર્ચ-નિરિક્ષકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી

રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચાર ખર્ચ-નિરિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. આ ચાર ખર્ચ-નિરિક્ષક અધિકારીશ્રીઓએ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક તેમજ ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક (અનુસૂચિત જાતિ) માટે જનાર્દન એસ. (મો.૭૪૩૩૦ ૦૦૧૬૮) જ્યારે ૬૯-રાજકોટ પશ્ચિમ બેઠક તથા ૭૨-જસદણ બેઠક માટે બાલાક્રિષ્ના એસ. (મો.૭૩૩૩૦ ૦૦૧૬૯) નિયુક્ત થયા છે. ૭૦-રાજકોટ દક્ષિણ બેઠક તથા ૭૩-ગોંડલ બેઠક માટે શૈલેન સમદર (મો.૭૪૩૬૦ ૦૦૧૭૦) જ્યારે ૭૪-જેતપુર વિધાનસભા બેઠક તથા ૭૫-ધોરાજી બેઠક માટે અમિતકુમાર સોની (મો.૭૩૩૩૦ ૦૦૧૭૪) નિયુક્ત થયા છે.

આ તકે ખર્ચ નિરિક્ષક જનાર્દન એસ.એ આઠેય વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓફિસર પાસેથી તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી-તૈયારી અંગેની માહિતી મેળવી હતી.

જિલ્લા ચૂંટણી-ખર્ચના નોડલ અધિકારી દેવ ચૌધરીએ ચૂંટણી પ્રચારના ખર્ચ તેમજ ઉમેદવારોના ખર્ચ સંબંધે અત્યાર સુધી થયેલા આયોજન અને તંત્ર દ્વારા ખર્ચ પર નજર રાખવા માટે ગોઠવાયેલી વ્યવસ્થાઓ, ટીમ સહિતની માહિતી આપી હતી. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર, અધિક પોલીસ કમિશનર સૌરભ તોલંબિયા, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, ઈનકમટેક્સ તેમજ જી.એસ.ટી. વિભાગ વગેરેના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.