લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વહેલી આટોપી લેવા માટે ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. જે સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેકટરને તા.5 ડીસેમ્બરથી બે દિવસ દિલ્હી બોલાવાયા છે. જ્યાં તેઓને ચૂંટણી પ્રક્રીયાની વિશેષ તાલીમ આપવામાં આવશે.
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વહેલી આટોપી લેવા ચૂંટણી પંચ સજ્જ
ચૂંટણીની પ્રક્રિયા માટે ખાસ તાલીમ યોજાશે : પાંચ તબક્કામાં રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને રાજધાની ખાતે તેડાવાયા
લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. તેવામાં કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અનુસાર તમામ રાજ્યોમાં અને તેના જિલ્લાઓમાં ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ તમામ જિલ્લાઓ પાસેથી ચૂંટણીનો માસ્ટર પ્લાન મંગાવવામાં આવ્યો છે. આ સાથે તમામ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ માટે ગાંધીનગર ખાતે ખાસ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
હવે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને પાંચ તબકકામાં દિલ્હી બોલાવ્યા છે. જ્યાં આ તમામ કલેકટરોને ખાસ તાલીમ આપવામાં આવનાર છે. જેમાં અમદાવાદ પશ્ચિમ, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ કલેકટરને તા. 5 અને 6 ડીસેમ્બરે દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
જ્યારે તા. 8 અને 9 ડીસેમ્બરે બનાસકાંઠા, મહેસાણા, કચ્છ, આણંદ, ખેડા, ભરૂચ કલેકટરને બોલાવવામાં આવ્યા છે. તા.11 અને 12 ડીસેમ્બરે સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, વલસાડ, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ કલેકટરને બોલાવાયા છે. તા.18 અને 19 ડીસેમ્બરે વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર અને અમદાવાદ પૂર્વ કલેકટરને બોલાવવામાં આવ્યા છે.
દિલ્હી ખાતે આ તમામ કલેકટરોને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા વિશે વિશેષ તાલીમ આપવામાં આવશે. આમ ચૂંટણી પંચ વહેલાસર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવા કવાયત હાથ ધરી રહ્યું છે.