વાવાઝોડાની કુદરતી આફત વચ્ચે ગુજરાત પર આવી પડેલી આફતમાં કેન્દ્ર સરકાર રાજ્યની તબાહી અને નુકશાનને લઈ વહારે આવી છે. વાવાઝોડાએ વેરેલા વિનાશમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં અસર પ્રમાણમાં વધુ છે. મોટાભાગે શહેરી વિસ્તાર અને તંત્રના સંકલનમાં રહેલા વિસ્તારો ઉપરાંત છેવાડાના ગામોની ચાલી રહેલી સમીક્ષામાં નુકશાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારને તાઉતેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ભારે પવનની ઝપેટ ઉભી થઈ હતી ત્યાં કાચા-પાકા મકાનોથી લઈ ખાસ કરીને ઝાડને ખુબ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગીર વિસ્તારમાં આંબાના બગીચાઓનો સોથ વળી ગયો હોય તેમ ફળાઉ ઝાડના બાગાયતદારોને ભારે મોટો ફટક્ો પડ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અસરગ્રસ્ત વિસ્તારની સમીક્ષાએ આવી પહોંચ્યા છે અને ગુજરાતને નુકશાનીના માર સામે કેન્દ્ર સરકારની સહાય અને પરિસ્થિતિને જલ્દીથી થાળે પાળવામાં આવે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના આગમન સમયે ઉભી થયેલી પરિસ્થિતિ સદ્નસીબે છેલ્લી ઘડીએ વાવાઝોડુ અન્ય વિસ્તારમાં ફંટાઈ જવાથી તાઉતેની માત્ર અસર જોવા મળી છે.
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડાની મોટી ઘાત ટળી પરંતુ કોસનો ઘા ટાંચણીથી થાય તો પણ ઘસરકો તો આવે જ. 135 થી 185 કિ.મી.ની ઝડપે ફૂંકાનારા પવનનું વાવાઝોડુ અન્યત્ર ફંટાઈ ગયું છતાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 50 થી 60 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને લાઈટ-ટેલીફોનના થાંભલા, હોર્ડિંગ, કાચા અને નબળા મકાનોના છાપરા અને વૃક્ષોનું મોટાપાયે કચ્ચરઘાણ વાળી દીધો છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ખાસ કરીને ગીર વિસ્તારમાં આંબાના બગીચા, નાળીયેર, ચીકુ, જામફળ જેવા ખેડૂતોની કાયમી આજીવીકા જેવા ફળાઉ ઝાડને મોટુ નુકશાન થયું છે.
આજે કેન્દ્ર સરકારની સમીક્ષાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે ગુજરાતને બેઠુ કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્ર સરકારની સહાય જનજીવન અને આર્થિક નુકશાનીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખરા વખતનો સાથ સાબીત થશે.
ગુજરાત પર આવી પડેલી કુદરતી આફતમાં વહારે આવવા આજે વડાપ્રધાન મોદીએ સમગ્ર વિસ્તારની સમીક્ષા કરીને કેન્દ્ર સરકાર ગુજરાતની વહારે આવ્યું છે તે ગુજરાત અને ખાસ કરીને વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તાર માટે રાહતરૂપ બની રહેશે.