આ કેસમાં એનઆઈએ કરેલી તપાસ પર વિશ્વાસ હોવાનું જણાવીને રાજનાથે પુન: તપાસની સંભાવનાનો પણ ઈનકાર કર્યો
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે એક મહત્વના નિર્ણયમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય તપાસ સમિતિએ સમજોતા બ્લાસ્ટ મુદ્દે સ્વામી અસીમાનંદને છોડી મુકવાના ચુકાદા સામે અપીલ ન કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે હવે જેને તેની સામે અપીલ કરવી હોય તે કરી શકે છે. સ્વામીની મુક્તિ સામે સરકાર અપીલમાં જશે તેવા પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, સરકાર શો માટે અપીલમાં જાય તેનો કોઈ અર્થ નથી. તેમણે સમજોતા એકસપ્રેસ ધડાકા અંગે પુન: તપાસની સંભાવનાનો ઈન્કાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, એનઆઈએએ ખુબ ઊંડાણપૂર્વકની તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી. હવે જયારે ચુકાદો આવી ગયો છે તો તેના પર વિશ્વાસ કરવો જોઈએ જયારે ભાજપ વિપક્ષમાં હતું ત્યારે આરોપ લગાવ્યું હતું કે, અસીમાનંદ અને અન્યોને ભગવા આતંકવાદના નામે ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. ભાજપ આક્ષેપ કર્યો હતો કે, લઘુમતીના દ્રષ્ટિકરણના ભાગરૂપે જેહાદી આતંકવાદ સાથે ખોટી રીતે સરખામણી કરવા માટે ભગવા આતંકવાદની થયરી ઘડવામાં આવી હતી.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ધાર્મિક ઉપદેશક તરીકે અનેક નામોથી જાણીતા અસીમાનંદ પંચકુલાની વિશેષ અદાલતે ૨૦ માર્ચ સમજોતા એકસપ્રેસ બ્લાસ્ટ મુદ્દે નિર્દોષ મુકી દીધા હતા. એક સમયે મોસ્ટ વોન્ટેડ તરીકે જાણીતા અસીમાનંદ ૨૦૦૭માં થયેલા ત્રણ બોમ્બ ધડાકામાં તેમના નામો ઉછળ્યા હતા.
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એકસપ્રેસમાં ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીની રાત્રે વિસ્ફોટ થયો હતો જેમાં અનેકના મૃત્યુ નિપજયા હતા. ત્યારબાદ ૧૮ મે એ હૈદરાબાદની મકકા મસ્જિદમાં વિસ્ફોટમાં ૯ના મૃત્યુ નિપજયા હતા. જયારે આજ વર્ષે અજમેરમાં ખ્યાઝા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર થયેલ વિસ્ફોટમાં ત્રણના મૃત્યુ નિપજયા હતા.
૬૭ વર્ષના સ્વામી અસીમાનંદને એ ત્રણેય કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ભગવા આતંકવાદના નામે સ્વામી અસીમાનંદ પર લાગલગાટ આક્ષેપો કરવામાં આવ્યા હતા. હવે અસીમાનંદ તમામ કેસમાંથી બાઈઝત બરી કરવામાં આવ્યા છે.