સેકટર ઓફિસરો સાથો-સાથ શ્રેષ્ઠ બીએલઓ તથા વયોવૃદ્ધ મતદારોને પણ કરાયા સન્માનિત
રાજકોટ ખાતે આવેલી આત્મીય કોલેજમાં ૯માં મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચુંટણીપંચ દ્વારા આ વખતની ચુંટણીનો હેતુ ‘કોઈ પણ મતદાર રહી ન જાય’ તે અન્વયે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નિવાસી અધિક કલેકટર પી.બી.પંડયા, રાજકોટ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, ચુંટણી અધિકારી સહિત અનેકવિધ અધિકારીઓની હાજરીમાં મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર પી.બી.પંડયાએ જણાવતા કહ્યું હતું કે, તમામ લોકો જે સભાસ્થળમાં ઉપસ્થિત છે તેમને એ પ્રશ્ન ઉદભવીત થતો હશે કે મતદાતા દિવસની ઉજવણી શું કામ કરવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી વાત એ છે કે કોઈપણ ચુંટણી ઢાંચામાં મતદાતા પાયાનો ઘટક માનવામાં આવે છે એટલે સમગ્ર દેશમાં લોકતાંત્રિક પઘ્ધતિથી ચુંટણીનું જે આયોજન થતું હોય છે અને તેને આવકારવા માટે સમગ્ર દેશમાં મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, આ મહત્વપુર્ણ દિવસે તમામ વડિલ મતદાતાઓ, વિકલાંગ મતદાતાઓ તથા યુવા મતદાતાઓને સન્માનિત કરવામાં આવે છે.
તેઓએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે, ૧લી જાન્યુઆરી સુધી જન્મેલા અને ૧૮ વર્ષ થઈ ગયેલા લોકો પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે ફોર્મ નં.૬ ભરી બીએલઓ પાસે સુજાવ લેવા જોઈએ અને સર્વે લોકોએ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવું જોઈએ જેથી વધુમાં વધુ મતદાન થઈ શકે તેવું ભારતના ચુંટણીપંચનું માનવું છે અને જે ખરાઅર્થમાં હકિકત પણ છે.
આ તકે રાજકોટ ડીસીપી ઝોન-૨ના અધિકારી મનોહરસિંહ જાડેજાએ પણ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચુંટણી ખુબ જ ચોકસાઈથી કરવામાં આવતી હોય છે અને ભારતની જે ચુંટણી પ્રણાલી છે તે ખુબ જ મહત્વની છે અને વિશ્વ આખામાં ભારતની ચુંટણી પઘ્ધતિ શીખવા માટે અન્ય દેશોના અધિકારીઓ પણ ભારતની મુલાકાતે આવતા હોય છે ત્યારે તેઓએ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ૫ વર્ષ પૂર્વે ચુંટણી યોજાઈ હતી પરંતુ તેનું પરીણામ નિયત સમય કરતા થોડુ મોડુ આવ્યું હતું જેનું કારણ એ છે કે ચુંટણી પારદર્શકતાથી યોજાતી હોય છે અને મતદાન આપવું તે લોકશાહીનો મહત્વપૂર્ણ હિસ્સો પણ માનવામાં આવતો હોય છે. જેથી ભારતના તમામ નાગરિકોએ મત આપવો જોઈએ અને ચુંટણી પ્રક્રિયામાં પણ પોતાનો સિંહ ફાળો પણ આપવો જોઈએ.આ તકે સિનિયર મતદારોને પણ કલેકટર તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ-૬૮માં પાર્વતીબેન પીપળીયા તથા આંબાભાઈ લુણાગરીયાને સન્માનિત કરાયા હતા. જયારે વાત કરવામાં રાજકોટ-૬૯ની તો તેમાં શારદાબેન જોશી તથા કુસુમબેન પઢીયાર એવી જ રીતે રાજકોટ-૭૦ની વાત કરવામાં આવે તો લાભશંકરભાઈ દવે કે જેઓ ૯૬ વર્ષના છે.સાથો સાથ લબુબેન તેરૈયાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેવી જ રીતે રાજકોટ-૭૧માં ભુવાબેન તથા સાર્દુલભાઈ ગમારા તથા ૭૧ રાજકોટ ગ્રામ્યમાં દિવ્યાંગ રાઘવજીભાઈને પણ પુષ્પગુચ્છ આપી કલેકટર તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમા ૯૬ વર્ષના લાભશંકરભાઈ દવેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.