કાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાયમી લાઈટીંગ પ્રોજેકટનું લોકાર્પણ વિદ્યાર્થી કાર્નિવલ, મશાલપીટી અને શસ્ત્ર પ્રદર્શન તેમજ જૂના ગીતોનો કાર્યક્રમ: શનિવારે પુસ્તક મેળો, સાહિત્ય ઉત્સવ, મ્યુ. કોર્પોરેશન, રૂડાના લોકાર્પણ, ખાતમુહૂર્ત, યુવા સંમેલન, મહિલા સંમેલન, નવનિર્મિત આઈકોનિક બસપોર્ટનું લોકાર્પણ તથા હસ્તકલા પર્વનું ઉદ્ઘાટન અને મેગા ઈવેન્ટ
૭૧માં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ માટે ઐતિહાસીક ક્ષણ બની રહી છે. આ ઉજવણીમાં શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારનાં લોકોની સુવિધામાં વધારી કરવા માટે અનેકવિધ વિકાસ કામોનાં લોકાર્પણ અને ખાતમૂહૂર્તો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રજાસતાક પર્વને યાદગાર બનાવવા જીલલા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ જાહેર કાર્યક્રમોનું સુચારૂ આયોજન પણ કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે સાંજે ૬.૧૫ કલાકે રેસકોર્ષ પ્રોજેકટનું લોકાર્પણ તથા વિદ્યાર્થી કાર્નિવલ , ચૌધરી હાઈસ્કુલ ખાતે સાંજે ૬.૩૦ કલાકે મશાલ પીટી અને શસ્ત્ર પ્રદર્શન, વીરાણી હાઈસ્કુલ ખાતે રાત્રે ૮ કલાકે જૂના ગીતોનો કાર્યક્રમ તેમજ શનિવારે સવારે ૮.૩૦ વાગ્યે સૌરાષ્ટ્ર પુસ્તક મેળો અને સાહિત્ય ઉત્સવ, સવારે ૯.૩૦ કલાકે ઈસ્કોન મંદિરની બાજુના મેદાન ખાતે મ્યુ. કોર્પોરેશન અને રૂડાના લોકાર્પણ ખાતમૂહૂર્ત સવારે ૧૦.૩૦ કલાકે આત્મીય યુનિવર્સિટી ખાતે યુવા સંમેલન, ૧૨ કલાકે બીએચપીએસ મંદિર ગોંડલ ખાતે મહિલા સંમેલન, બપોરે ૨.૩૦ કલાકે સેન્ટ્રલ બસ સ્ટેન્ડનું લોકાર્પણ અને ૩.૧૫ કલાકે શાસ્ત્રી મેદાનમાં હસ્તકલા પર્વનું ઉદઘાટન કરવામાં આવનાર છે. ત્યારબાદ સાંજે ૮ વાગ્યે માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે મેગા ઈવેન્ટ યોજાશે જેમાં રંગ છે. રાજકોટ શિર્ષક હેઠળ નાટક યોજીને રાજકોટના ભવ્ય ભૂતકાળના દર્શન કરાવાશે. ત્યારબાદ રવિવારે સવારે ૮ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ કાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે જેમાં રાજયપાલ અને મુખ્યમંત્રી બંનેની ઉપસ્થિતિ રહેશે.
ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન રાજકોટ જિલ્લામાં ૧૧૦૦ કરોડથી વધુના કામોનો લોકાર્પણ તથા ખાતમુહૂર્ત વિવિધ મંત્રીઓના હસ્તે કરાવવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ તેમજ અધિક કલેક્ટર પરિમલ પંડયાની રાહબારી હેઠળ થઇ રહ્યું છે. રાજ્યકક્ષાની આ ઉજવણીમાં તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ રાત કામગીરી કરીને કાર્યક્રમને સફળતા તરફ લઇ ગયા છે. વધુમાં આ રાજ્યકક્ષાની ઉજવણીને લઇને શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. છેલ્લા અઠવાડીયાથી તમામ સરકારી કચેરીઓ રોશનીથી ઝગમગી ઉઠી છે આ ઉપરાંત વિવિધ બજારોમાં પણ વેપારીઓએ સ્વેચ્છાએ રોશની કરીને દિવાળી જેવો માહોલ ઉભો કર્યો છે.