- પોલીસે ગેડી ગામે કુયારા વાડી વિસ્તારમાંથી પોષડોડાનો મુદ્દામાલ ઝડપ્યો
- ખેતરમાંથી પોષડોડાના છોડ ઉછેરનાર પરબત પાંચા સિંધવની કરી ધરપકડ
- વિશા માદેવા રાઠોડ તેમજ પચાણ સુરા રાઠોડને કરાયા વોન્ટેડ જાહેર
- 3 લાખ 41 હજારનો મુદ્દામાલ કર્યો કબજે
રાપર તાલુકાના ગેડી ગામમાં બે મકાન તથા બે વાડીઓમાં એરંડાના પાકની વચ્ચે વાવેલા પોષડેડાની ખેતી પોલીસે શોધી કાઢી હતી. બે મકાન તથા આ વાડીઓમાંથી પોષડેડા, પાંદડાં, ઝાડ વગેરે થઈને કુલ રૂા. 3,41,520નો માદક પદાર્થ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બે શખ્સ હાજર મળ્યા નહોતા. ગેડી ગામના સિંધવવાસમાં રહેનાર પરબત પાંચા સિંધવ (રજપૂત) નામના શખ્સે પોતાના મકાનમાં પોષડેડાનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે ગત રાત્રે પોલીસે અહીં કાર્યવાહી કરી હતી. આ શખ્સના મકાનમાં છાપો મારી પોલીસે લીલા, સૂકા, અર્ધલીલા-સૂકા પોષડેડા 0.140 કિ.ગ્રામનો જથ્થો જપ્ત કરી આ શખ્સ પરબત સિંધવની અટક કરી હતી.
ગેડી ગામની સીમમાં આવેલી શંભુજી વાઘેલાની વાડી પોતે વાવવા રાખીછે જેમાં પોષડેડાનું વાવેતર કર્યું હોવાનું આ શખ્સે જણાવ્યું હતું. જેમાં ઉત્પાદિત થયેલ જથ્થો થોડોક પોતાની પાસે તથા અન્ય જથ્થો ગામના રવાણીવાસના વિશા માદેવા રાઠોડ (રજપૂત)ને આપ્યો હોવાની કેફિયત આપી હતી. જેના કારણે પોલીસે વિશા રાઠોડના રહેણાક મકાનમાં દરોડો પાડતા ત્યાં કોઈ હાજર મળ્યું નહોતું. આ મકાનમાં આવેલા હોલમાં અનાજની બોરીઓ પાસેથી પ્લાસ્ટિકનું એક કંતાન મળ્યું હતું, જેમાં પોષડેડા હોવાનું બહાર આવ્યું હતું. આ મકાનમાંથી 17.80 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો. બાદમાં પરબત સિંધવે જ્યાં માદક પદાર્થનું વાવેતર કર્યું હતું ત્યાં પોલીસ પહોંચી હતી. ખેતરમાં જીરું અને એરંડાના પાક વચ્ચેથી પોષડેડાની ખેતી મળી આવી હતી. અહીંથી મળી આવેલા વૃક્ષ કોથળામાં ભરવામાં આવ્યા હતા.
જેમાં એક કોથળામાં 19 કિલો, બીજામાં 17.50 કિલો તથા ત્રીજામાં 1.700 કિલો પાંદડાં, વૃક્ષ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. આ તમામનું એફએસએલ અધિકારીએ પ્રાથમિક પૃથક્કરણ કરી તે પોષડેડા હોવાનું કહી ખેતરમાંથી માટીના નમૂના પણ લઈ એફએસએલ અર્થે મોકલવામાં આવ્યા હતા. દરમ્યાન ગામનો પચાણ સુરા રાઠોડ (રજપૂત) પણ પોતાની વાડીમાં આ માદક પદાર્થનું વાવેતર કરતો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી અહીંથી રૂા. 54,000નો 18 કિલો માદક પદાર્થ હસ્તગત કર્યો હતો. પરંતુ આ શખ્સ હાથમાં આવ્યો ન હતો. આ બન્ને કાર્યવાહી દરમ્યાન કુલ રૂા. 3,41,520નો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. હાથમાં ન આવેલા પચાણ રાઠોડ તથા વિશા રાઠોડને પકડી પાડવા આગળની કાર્યવાહી તેજ કરાઈ હોવાનું રાપર પી.આઈ. જે.બી. બુબડિયાએ જણાવ્યું હતું
અહેવાલ: ગની કુંભાર