બે નામચીન શખ્સ સહિત ત્રણની ધરપકડ: બાઇક અને રૂ.48 હજારના ઇમીટેશનના ઘરેણા કબ્જે

સંત કબીર રોડ પર આવેલા નિકુંજ સેલ્સ નામની દુકાનમાં બે દિવસ પહેલાં થયેલી ઇમીટેશનની દુકાનમાં થયેલી ચોરીના ગુનાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી બે નામચીન શખ્સ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી બાઇક અને રૂા.48 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુપીના વતની અને રાજકોટમાં સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા કિષ્નાદેવ મગરૂ મોર્યાની સંત કબીર રોડ પર નિકુંજ સેલ્સ નામની દુકાનમાંથી ગત તા.19મી જુલાઇએ રૂા.48 હજારની મત્તાની ચોરી થયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ડોડીયા, વિજયસિંહ જાડેજા અને અજયભાઇ ભુંડીયા સહિતના સ્ટાફે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમં રહેતા જીતેશ ઉર્ફે જીતીયો બાબુ બાબરીયા, રાહુલ ઉર્ફે ગોપાલ કેશુ પાટડીયા અને કિશન ઉર્ફે કિશો ભરત ચણીયારા નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી બાઇક અને રૂા.48 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

જીતેશ ઉર્ફે જીતીયો બાબરીયા આ પહેલા મારામારી, ધમકી, દારૂ અને જુગારના ગુનામાં ઝડપાતા તેને તડીપાર કરાયો હતો. જ્યારે કિશન ઉર્ફે કિશો ચણીયારા અપહરણ અને બળાત્કારના ગુનામાં ઝડપાયા બાદ તેને પાસા હેઠળ જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.