બોડાણા નામનો ભકત દ્વારિકાથી બળદ ગાડામાં રણછોડરાયને ડાકોર લઇ આવ્યા હતા, ઘણા લોકો આજે પણ ગાડાઓને શણગારીને લગ્નની જાન લઇ જાય છે. આજે આપણાં ઘરોમાં લાકડામાં કંડારેલ કલાત્મક નકશી કામ તેમજ પીત્તળની જડતર સાથે રજવાડી ગાડા શોભામાં અભિવૃઘ્ધિ કરી રહ્યા છે, જુની ફિલ્મોમાં બળદ ગાડા અને ઘોડાગાડી ઉપર ફિલ્માંકન થયેલા ઘણા ગીતો પ્રખ્યાત થયા છે
પ્રાચિન કાળમાં જયારે સાધનોની શોધ થઇ ન હતી ત્યારે મુસાફરી કે આવન-જાવન માટે તેમજ માલની હેરફેર માટે બળદ ગાડાનો ઉપયોગ કરાતો હતો. ગાડાની સાથે ઉંટ કે બળદ જોડીને તેનો ઉપયોગ કરવામાં આવતો, અમુક સ્થળોએ ગધેડાને પણ નોતરીને એ જમાનામાં ઉપયોગ થતો, ગાડામાં એક અથવા બે બળદનો ઉપયોગ કરીને માનવી તેના કાર્યો એ જમાનામાં કરતાં, આપણા ગુજરાતમાં મોટાભાગે બે બળદનું ગાડું જોવા મળે છે. આજે પણ ટ્રેકટરનું વધારે ચલણ હોવા છતાં હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં બળદ ગાડા જોવા મળે છે.
એક જમાનામાં આપણા ઘોલેરા બંદર જાહોજલાલી હતી ત્યારે બદર લાકડાનું પીઠું ગણાતું આજુબાજુના પચીસ ગામોનું હટાણું અહી થતું, ઘોલેરા જતા લોકો સારા અશ્ર્વો, બળદગાડાને સારા હથિયારો રાખવાનો શોખ હતો. લોકો બળદને જીવતી જેમ સાચવતા તેની પૂજા પણ કરતાં, બળદના ડોકે નાનકડી પીત્તળની ઘંટડી બાંધતા હતા.
આજથી પ૦ વર્ષ પહેલાની ફિલ્મોમાં અવશ્ય એકાદ ગીત ગાડા ઉપર ફિલ્માંકન કરેલું હોય, મધર ઇન્ડિયા ફિલ્મમાં બે ત્રણ ગીતો ખુબ જ પ્રખ્યાત થયા હતા. જેમાં ‘ઓ ગાડી વાલે… ગાડી જરા ધીરે હાંકરે’ નો સમાવેશ થાય છે. ત્યારની આપણી સંસ્કૃતિ, ગ્રામ્ય જીવન સાથે કાચા, કેડી મારગ સાથે ધૂળિયા રસ્તાઓ હતા. આજ જેવા પાકકા રોડ તો જોવા જ ન મળતા, એક ગામથી બીજે ગામ જવા વાહન વ્યવહારના સાધનોમાં ફકત પશુઓ જોવા મળતા જેમાં ઘોડાગાડી, બળદ ગાડું કે ઉંટ-ઘોડાનો ઉપયોગ થતો હતો.
પહેલા તો માલ સામાન લઇ જવા બળદ ગાડુું એક જ સાધન હતું, બળદ ગામડાના જીવન સાથે વણાયેલુ પશુ હતું. તે માવન જીવનનું એક અભિન્ન અંગ હતું, ખેતી કરવા જે હો (શાંતિળું) બળદથી ચાલતું, મોલ ઉગી જાય પછી વઢાય જાય ત્યારે તે પુરા લઇ જવા માટે બળદ ગાડુ કામ કરતું, ખાસ તો આજથી પાંચ કે છ દશકા પહેલા લગ્નની જાન પણ બળદ ગાડામાં લઇ જવાતી, રસ્તામાં ચોર, લુંટારા, ડાકુનો પણ એટલો જ ભય રહેતો હતો. એ જમાનાની ફિલ્મોમાં પણ આવા દ્રશ્યો બતાવવામાં આવતા હતા. જાની જવાની હોય ત્યારે બળદને શણગાર કરતો ને બળદને ગોળ ખવડાવામાં આવતો:, પૈંડામાં ગ્રીસ પૂરી દેવાય ને ગાડાને તો રાત્રે જ શણગાર સજાવી લેવાય.
આજે પણ ઘણા રાજયોમાં બળદ ગાડાની રેસ થાય છે. ભારતની પરંપરાગત સંસ્કૃતિનું પ્રતિક ગાડું હતુંં, આજે એજ ગાડુ ફેશન ટ્રેન્ડ બની ગયું છે. આપણા મેઇન હોલ કે ટીપોઇ ઉપર બળદ ગાડુ સરસ પીત્તળના વિવિધ તારો, કુમકા સાથે શણગારીને આપણા લીવીંગ રૂમમાં શણગારો સાથે જોવા મળે છે, આપણૉ ગુજરાતમાં ઘણા વર્ષોથી એક ગામથી બીજે ગામ ગાડું લઇને અવર જવર કરતાં ગાડલીયા લુહાર ગાડું લઇને જ જતાં હોવાથી તેને ગાડલીયા કહેવાય છે. તે છેલ્લા ૪૦૦ વર્ષથી આજ કામ કરે છે. આજે આધુનિક યુગમાં બળદ ગાડા લુપ્ત થઇ ગયા છે. ત્યારે કલાત્મક રજવાડી બળદ ગાડા આજની ફેશન બની ગઇ છે.
વિરપુર, જસદણની આસપાસ અમુક વ્યવસાય લાકડામાં કંડારેલ કલાત્મક નકશી કામ તેમજ પીત્તળની જડતર સાથે રજવાડી ગાડા બનાવે છે. આ કલાત્મક ગાડાઓ અમીરોના બંગલા હોટેલ, ફાર્મ હાઉસ વિગેરે સ્થળોએ શો પીસ તરીકે જોવા મળે છે. યાત્રાધામ વિરપુરમાં હાથી, મોર, પોપટ, ફૂલ જેવા પિત્તળના ચિન્હો સાથેના જડતર અને કલાત્મક નકશી વાળા ગાડાઓ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. એક વાત નકકી છે કે ભલે બળદ ગાડા લુપ્ત થઇ ગયા પણ ફેશનના જમાનામાં રજવાડી ગાડાનો ક્રેઝ આપણી સંસ્કૃતિનાં દર્શન કરાવે છે.
બળદની જોડી વચ્ચે પણ અપાર મિત્રતા પ્રસંગો વાતો વણાયેલી જોવા મળે છે. બળદને પણ પરિવાર સાથે આત્મીયતાનો નાતો હોય છે. ઘરથી કે વાડીએથી માલ ભરીને છુટુ મુકી દે તો પણ તે સીઘ્ધુ ઘરે આવી જાય છે. બળદની ભેરૂ બંધી, બળદ ગાડાના ગીતો, કાવ્યો આજે પણ ભણવામાં આવે છે. ગામડાના દ્રશ્યોના ચિત્રો જોવા ત્યારે તેમાં અચુક બળદ ગાડુ જોવા મળે છે. પશુપાલનનો પણ એક મોટો વ્યવસાય હતો. કાળક્રમે બધુ નાશ પામી ગયું છે. ગામના પાદરે બેઠેલા પોતાના પશુઓને માલીકની એક હાંક સંભળાય એટલે દોડતા આવી જાય તેવો પ્રેમ હતો.
ડાકોરના મંદિર સાથે ભકત બોડાણાની વાતો આપણાં પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. ડાકોરથી દ્વારિકાનું પ૦૦ કી.મી. નું અંતર બળદ ગાડા ઉપર જ મુસાફરી કર્યાની વાત બધા જાણે છે. બળદ ગાડાની મુસાફરીમાં વૃક્ષ નીચે છાંયડામાં બળદને આરામ કરવા બેસાડાયને બધા વાળુ પાણી કરી લે સાથે બળદને પણ ગોળ, ખોળ ને ઘાસ પણ અપાય આવા મધુરા દિવસોમાં માનવીના દિલ બહુ મોટા હતા. આજે પણ ઘણા લોકો ગામડામાં જાન સમયે ૪૦ થી પ૦ બળદ ગાડા શણગારીને જાન જોડે છે. બળદને કંટ્રોલ કરવા માટેની લગામને રાશ કહેવામાં આવે છે. બળદના નાકમાં પરોવીને તેને અંકુશ કરવા વપરાતી દોરીને નાથ કહેવામાં આવે છે.
બળદ ચાલુ કામે ખાય ન કશે તે માટે દોરીથી ગુંથેલી જાળી જેને ‘છીકલુ’ કહેવાય છે. તે પહેરાવાય છે. બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીના સાધન જોતર કહેવામાં આવે છે. ગાડા સાથે ધૂસરી બાંધવા માટેની ચામડાના દોરડાને નેણ કહેવાય છે. તેને હાંકવા માટેની લાકડીને ‘પરોણો’ પણ કહેવાય છે. અગાઉ કો કુવામાંથી બળદ વડે પાણી કઢાતું જેને કોસ કે કોહ કહેવાતું, બળદ ગાડાના પૈંડામાંથી પસાર થતી એકસેલને જેમાથી પસાર કરાય તે લાકડાને પાડો કહેવાય છે. ગાડી કે હળને બળદ સાથે જોડવાના સાધનને ઘોંસરૂ કહેવાય છે. પહેલાના જમાનામાં મોટા ફળિયા વાળા મકાનોમાં ઢોરને બાંધવા સ્પેશ્યિલ જગ્યા બનાવાતી હતી જેને ગમાણ પણ કહેતા બાજુમાં જ ઓરડી બનાવતા ત્યાં તેને ખાવાનો ચારો રાખવામાં આવશે.
“હે જી મારૂ બળદ વિનાનું દોડે જાુનુ ગાડેું રે
પ્રભુજી તારી લીલાને હું તો નવ જાણું રે !!”
બળદ ગાડાની જાન
વરરાજા સાથે એક અણવર હોયને બાકી બીજી બધી જાનડીઓ લગ્ન ગીતો ગાતી હોય, અણવર વરરાજાને બળદ પોદળો કરીને વરરાજાનું પાટલુન ના બગાડે તેનું ઘ્યાન રાખવા વારંવાર સુચના આપતો હોવાથી વરરાજાને પરણવા કરતાં પોદળાથી પાટલુન ન બગડે તે સાચવવાનું બહું ટેન્સન થઇ પડતું, વેવાઇના ગામની બહાર વરરાજાની વહેલ ઉભી રાખીને પાછળ બધા ગાડાની લાઇન ઉભી રખાતી હતી. આ માહોલમાં ધૂળિયા રસ્તેથી કલાકો બાદ જાણે જંગના મેદાનેથી સીધા વેવાઇના ઘરે લગ્નમાં આવી ગયા હોય એવા ધૂળઘાણી જાનૈયાના હાલ જોવા મળતા, વરરાજાને નીચે ઉતારીને ઝાપટીને ધૂળ ઉડાડે એવા દ્રશ્યો જોવા મળતા હતા. પછી તો માંડવે ફટાણાની રમઝટ બોલાતી, વિજળી તો ભાગ્યે જ જોવા મળે મોટાભાગે પેટ્રોમેકસના અજવાળા હોય, એક જમાનામાં જાનની આગળ પાછળ પહેરદારો રખાતા કારણ કે બહારવટીયા કે ડાકુ-ચોર – લુંટારા જાન લુંટવા આવતાં હતા. ગત વર્ષે પોરબંદરમાં કુછડી ગામ નજીક એક જાપાની યુગલે આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ ખાતે લગ્ન કરેલા ત્યારે બળદ ગાડામાં વાજતે ગાજતે ઢોલ – નગારા – શણણાઇના સુરે જાન નીકળી હતી. ૨૦૧૯માં જાણીતા સાહિત્યકાર માયાભાઇ આહિરના પુત્રના લગ્નમાં ગામડે જાુનવાણી રિવાજ મુજબ બળદ ગાડા અને ઘોડાના રસાલા સાથે જાન નીકળી હતી. આ જાનમાં પ૦ બળદગાડાને ૩૦ ઘોડા જોડાયા હતા.