શાસક નેતા વિનુભાઈ ઘવા માટે ઈનોવા, ફાયર ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા માટે મહિન્દ્રા મરાજો અને ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર માટે સ્કોર્પિયો કારની ખરીદી કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: કાલે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં 39 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
કોરોના કાળમાં નવા વાહનો ન ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલો પ્રતિબંધ ઉઠતાની સાથે જ મહાપાલિકામાં ભાજપના શાસકોએ પદાધિકારીઓ અને અધિકારીઓ માટે લાખો રૂપિયાના ખર્ચે નવી નકોર કાર ખરીદવા માટેનો તખ્તો તૈયાર કરી લીધો છે. શાસક પક્ષના નેતા, ફાયર બ્રિગેડ કમીટીના ચેરમેન અને ચીફ ફાયર ઓફિસર માટે 47.57 લાખના ખર્ચે નવી 3 કારની ખરીદી કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ 39 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા હાલ જે મોટર કારનો ઉપયોગ કરે છે તે વર્ષ 2010માં ખરીદવામાં આવી હતી અને 2 લાખથી વધુ કિલોમીટર આ કાર ચાલી ચુકી છે. હવે સરકારના નિયમ મુજબ 2 લાખથી વધુ કિ.મી. ચાલેલી કાર સ્ક્રેપમાં મુકી દેવાની હોય શાસક નેતા માટે રૂા.21.12 લાખના ખર્ચે નવી ઈનોવા કારની ખરીદી કરવામાં આવશે.
આ ઉપરાંત ફાયર એન્ડ ઈમરજન્સી શાખાના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાના વપરાશ માટે રૂા.11.81 લાખના ખર્ચે મહિન્દ્રા મરાજો કારની ખરીદી કરવા અને ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરના ઉપયોગ માટે રૂા.14.64 લાખના ખર્ચે મહિન્દ્રા સ્કોર્પિયો કારની ખરીદી કરવા સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. હાલ શાસક નેતા, ફાયર ચેરમેન અને ચીફ ફાયર ઓફિસર દ્વારા જે કારનો ઉપયોગ કરવામાં આવે છે તે વર્ષો જૂની અને લાખો કિલોમીટર ચાલી ચૂકી હોવાના કારણે નવી કાર ખરીદ કરવાની આવશ્યકતા ઉભી થવા પામી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ 39 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવનાર છે. જેમાં આજી ડેમ ખાતે અર્બન ફોરેસ્ટમાં રામવન થીમ આધારીત સ્કલ્પચર બનાવવા, સામાન્ય વહીવટ વિભાગમાં રિસર્ચ એનાલીસ્ટ અને આંકડા મદદનીશની હંગામી જગ્યાનો કાયમી સેટઅપમાં સમાવેશ કરવા, સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2021-22 માટે મહાપાલિકાને મળનારી ગ્રાન્ટની દરખાસ્ત રજૂ કરવા, વોર્ડ નં.3માં નવી વોર્ડ ઓફિસ બનાવવા, આલાપ એવન્યુ ઓફિસમાં જન ભાગીદારી હેઠળ ડીઆઈ પાઈપ લાઈન નાખવા, સફાઈ સુરક્ષા ચેલેન્જ અંતર્ગત અલગ અલગ સાધનો વસાવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
ન્યારી ડેમના પાળા પર સલામતી જાળી ફીટ કરાશે
રૂા.23.97 લાખના ખર્ચે દોઢ મીટર ઉંચી અને 900 મીટર લાંબી ચેઈનલીંક જાળી નખાશે
ન્યારી ડેમ ખાતે શહેરીજનો ફરવા માટે ઉમટી પડતા હોય છે. લોકોની સલામતી માટે ન્યારી ડેમના પાળા પર સલામતી જાળી ફીટ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. આ માટે રૂા.23.97 લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ડેમના પાળા પર દોઢ મીટરની ઉંચાઈ ધરાવતી અને 900 મીટરની લંબાઈ ધરાવતી ચેઈનલીંક જાળી નાખવા રૂા.26.64 કરોડનું એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. આ કામ 9.99 ટકા ડાઉન ભાવે 23.97 લાખમાં કરી આપવા રમેશ રાઘવ વિરાણી નામના કોન્ટ્રાકટરે ઓફર આપતા કોન્ટ્રાકટ આપવા સ્ટેન્ડીંગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ન્યારી ડેમના પાળા પરથી પડી જવાના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થતાં હોવાની ઘટના અવાર-નવાર બની હોય હવે આ સમસ્યાના નિવારણ માટે અહીં લાખોના ખર્ચે સલામતી જાળી બિછાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
15 પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટ ફાઈનલ: 25 સાઈટ માટે કોઈ ઓફર નહીં
શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ રાજમાર્ગો પર પે એન્ડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. 43 પે એન્ડ પાર્ક સાઈટ માટે કોન્ટ્રાકટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર 15 સાઈટ માટે ઓફર આવી છે. 3 સાઈટ માટે સિંગલ ટેન્ડર આવતા રિ ટેન્ડરીંગનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્યારે અન્ય 25 સાઈટ માટે એકપણ ઓફર આવી નથી. કાલે મળનારી સ્ટેન્ડિંગ બેઠકમાં ત્રિકોણબાગ, અખા ભગત ચોક, 150 ફૂટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક, સર્વેશ્ર્વર ચોક, ઢેબર રોડ પર ઓપન પ્લોટ, 150 ફૂટ રીંગ રોડ પર સ્ટર્લીંગની બાજુમાં આવેલ પ્લોટ, પુરૂષાર્થ સોસાયટીનો પ્લોટ, હુડકો કવાર્ટર પાછળનો પ્લોટ, નાગરિક બેંક સામે ઢેબર રોડ કોર્નર પ્લોટ, કોઠારીયા ચોકડી પાસે માધવ પાર્કિંગ પ્લોટ, યાજ્ઞીક રોડ પર ઈમ્પીરીયલ હોટલથી જિલ્લા પંચાયત ચોક સુધી રોડની બન્ને બાજુ, બીઆરટીએસ રોડ પર ગોંડલ રોડ ચોકડી, પારડી રોડ કોમ્યુનિટી હોલની બાજુનો પ્લોટ, જાગનાથ મંદિર પાસેનો પ્લોટ અને સત્યસાંઈ હોસ્પિટલ ઓપન પ્લોટના કોન્ટ્રાકટ આપવામાં આવશે જ્યારે અન્ય 25 સાઈટ માટે કોઈપણ ઓફર આવી નથી. જ્યારે 3 સાઈટ માટે સિંગલ ટેન્ડર આવતા રિ-ટેન્ડરીંગ કરવામાં આવશે.