બોટાદની તુલસી સોસાયટી વિસ્તારની યુવતીનું બોટાદ ગૌ રક્ષક સેનાના પ્રમુખના પુત્રએ અપહરણ કરી કારમાં ભાગતા યુવતીના પરિવાર અને બોટાદ પોલીસે અપહરણકારનો ફિલ્મી ઢબે પીછો કરતા બાબરા નજીકના કરિયાણા ગામ પાસે પોલીસની જીપ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાબરા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ અપહરણના ગુનામાં કાર ચાલકને બોટાદ પોલીસને સોંપી દીધો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદના પાળીયાદ રોડ પર આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં રહેતા ગૌ રક્ષક સેનાના પ્રમુખ સામતભાઇ જેબલીયાના પુત્ર જયરાજભાઇ ઉર્ફે જંડુભાઇ જેબલીયા ગત રાત્રે બોટાદની તુલસી સોસાયટીમાંથી યુવતીનું અપહરણ કરી જીજે-03-કેએચ.3786 નંબરની કારમાં ભાગ્યા હતા. યુવતીનું અપહરણ કર્યાની તેના પરિવારને જાણ થતા બોટાદ પોલીસને જાણ કરી હતી.

યુવતીના પરિવાર અને બોટાદ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા બાબરા પાસે અકસ્માત સર્જાયો

ગૌ રક્ષક પ્રમુખના પુત્ર સામે અપહરણ અને અકસ્માતનો ગુનો નોંધાયો

બોટાદ પોલીસ અને યુવતીના પરિવારજનો જયરાજભાઇ ઉર્ફે જંડુભાઇ જેબલીયાની કારનો પીછો કરતા હતા. દરમિયાન તેની કાર બાબરાના કરિયાણા ગામ પહોંચી ત્યારે ત્યાં પેટ્રોલીંગમાં રહેલી બાબરા પોલીસની જીજે-14-જીએ 1245 નંબરની જીપ સાથે ભટકાતા પોલીસની જીપમાં નુકશાન થયું હતું અને જયરાજભાઇ ઉર્ફે જંડુભાઇની કાર રોડ નીચે ઉતરી ગઇ હતી.

બાબરા પોલીસ મથકની જીપના ચાલક બાબુભાઇ આલાભાઇ પરમારની ફરિયાદ પરથી જયરાજભાઇ ઉર્ફે જંડુભાઇ જેબલીયા સામે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. તેની સાથે કારમાં રહેલી યુવતી અને લાલો ઉર્ફે પપ્પુ વલકુ બોરીચાને બોટાદ પોલીસને સોંપી દીધા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.