કેપ્ટન તો ‘કેપ્ટન’ જ છે : એક કાંકરે અનેક પક્ષી ઉડાડયા
અમરીંદરસિંઘે વડાપ્રધાનને ખેડૂત આંદોલનમાં સુખદ સમાધાન કરવા પત્ર લખી ભાજપ અને એસએડી બન્ને તરફેનો ઝુકાવ દર્શાવ્યો
અબતક, રાજકોટ : સિલેક્ટરો મેચ સંબંધી ગમે તે નિર્ણય લ્યે પણ મેદાનમાં તો કેપ્ટનનું જ ચાલે છે. આ વાત પંજાબના રાજકારણમાં પણ તથ્ય સાબિત થઈ છે. કેપ્ટને પોતે પંજાબના રાજકારણમાં સર્વે સર્વા હોવાનું દ્રષ્ટાંત ખૂબ અનોખી રીતે સોગઠા ગોઠવીને આપી દીધું છે. તેઓએ એક કાંકરે અનેક પક્ષીઓ ઉડાડી દીધા છે. વડાપ્રધાનને તેઓએ આંદોલનકારી ખેડૂતો સાથે તાકીદે વાતચીત કરો નહિતર દેશવિરોધી તત્વો તેમને હાથો બનાવશે તે મુદ્દે પત્ર લખી ભાજપ અને એસએડી બન્ને સાથે સંબંધો બાંધવાની પહેલ કરી દીધી છે. અને કોંગ્રેસને ગર્ભિત રીતે મેસેજ આપી દીધો છે કે એક દરવાજો બંધ થશે તો બીજા બે દરવાજા ખુલશે જ.
પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આંદોલનકારી ખેડુતો સાથે તાત્કાલિક વાતચીત ફરી શરૂ કરવા તાકીદ કરી હતી અને તેમને રાજ્યના વિધાનસભાની ચૂંટણી પૂર્વે આઈએસઆઈ સમર્થિત જૂથો દ્વારા આંદોલનકારી ખેડૂતોને હાથો બનાવવામાં આવે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી.
સરકારના નિવેદનમાં જણાવાયું છે કે કેપ્ટને ખેડુતોના વિરોધ પ્રદર્શનના સુખદ સમાધાન માટે વડા પ્રધાન સાથે ચર્ચા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાની દરખાસ્ત કરી હતી. વિરોધ કરનારા ખેડુતો કેન્દ્રની ત્રણ ખેતીના કાયદાને રદ કરવાની માંગ સાથે દિલ્હીની સરહદે છાવણી કરી રહ્યા છે. મોદીને લખેલા એક પત્રમાં પંજાબના મુખ્યમંત્રીએ ટાંકીને કહ્યું હતું કે, ‘વધારાનો સરહદનો ખતરો અને આઈએસઆઈ સમર્થિત જૂથો દ્વારા ડ્રોન અને અન્ય આતંકી પ્રવૃત્તિઓ, ખાલિસ્તાની સંગઠનોની હિલચાલ વગેરે ખેડૂત નેતાઓને નિશાન બનાવવાની કવાયત દર્શાવે છે.
તેમણે ચેતવણી આપી હતી કે સરહદ પારના તત્વો પંજાબના અમારા ગૌરવપૂર્ણ, નિષ્ઠાવાન અને પરિશ્રમશીલ ખેડુતોને હાથો બનાવવા મથી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ મને ડર છે કે ઉશ્કેરણીજનક નિવેદનો, કેટલાક રાજકીય પક્ષોના વર્તન અને ભાવનાત્મક પ્રતિક્રિયા કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઉભી કરે છેતેમણે કેન્દ્ર સરકારની ખેડૂતોની વાસ્તવિક ચિંતાઓને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સિધૂને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ જાહેર કરવા સામે કેપ્ટને હાઇકમાન્ડ સમક્ષ ઉઠાવ્યો વાંધો
નવજોત સિંહ સિધૂને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની અટકળો વચ્ચે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટીના વચગાળાના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના સૂત્રોના મતે સિધૂને પ્રમોશન આપવાની સંભાવનાઓ પર તેમણે વાંધો વ્યક્ત કરતા પત્રમાં લખ્યું છે કે જો પાર્ટી જૂના નેતાઓને નજરઅંદાજ કરશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન પર તેની ખરાબ અસર પડી શકે છે.
અમરિંદર સિંહે સોનિયા ગાંધીને પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે પાર્ટી હાઈકમાન્ડ પંજાબ કોંગ્રેસની કમાન સિધૂના હાથમાં સોંપવા તૈયાર થઈ ગયું છે. રાજ્યના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિધૂએ શુક્રવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના પંજાબના પ્રભારી હરીશ રાવત પણ આ બેઠકમાં હાજર હતા.
બેઠક પછી રાવતે જણાવ્યું હતું કે આ મુદ્દે સોનિયા ગાંધીએ કોઈ અંતિમ નિર્ણય કર્યો નથી અને જ્યારે નિર્ણય લેવાશે ત્યારે તે મીડિયાને આ અંગે જાણ કરશે. સૂત્રોના મતે રાવત હવે પંજાબના સીએમ અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી શકે છે જેથી તેમને મનાવી લેવામાં આવે અને સમાધાનની ફોર્મ્યૂલાને અંતિમ ઓપ આપી શકાય.
સિધુને સાચવવો કોંગ્રેસને મોંઘું પડી શકે છે!!
છેલ્લા થોડા મહિનાઓથી પંજાબ કોંગ્રેસમાં આંતરિક ડખો જોવા મળે છે. પૂર્વ મંત્રી નવજોત સિંહ સિધૂ તેમજ કેટલાક અન્ય નેતાઓએ મુખ્યમંત્રી વિરુદ્ધ બળવો કર્યો છે. જ્યારે કેપ્ટને સ્પષ્ટતા કરી દીધી છે કે આગામી વિધાનસભા ચૂંટણી તેમના નેતૃત્વમાં લડવામાં આવશે.
મુખ્યમંત્રી નથી ઈચ્છતા કે સિધૂને તેમની બરોબર બેસાડવામાં આવે. તેઓ નથી ઈચ્છતા કે સિધૂને રાજ્યમાં કોંગ્રેસ અધ્યક્ષનું પદ અથવા ચૂંટણી પ્રચાર સમિતિની જવાબદારી સોંપવામાં આવે. આમ મુખ્યમંત્રીને નારાજ કરીને સિધુને સાચવવો કોંગ્રેસને મોંઘું પડી શકે છે તે સ્પષ્ટ બન્યું છે.