- હોસ્પિટલની મુલાકાત લઇ ઉભી કરવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી
- દર્દીઓ તેમજ પરિવારજનો માટે કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થાઓ ચકાસી જરૂરી માર્ગદર્શન અપાયું
રાજ્યના વન અને પર્યાવરણ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરની ગુરુ ગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલના નવનિર્માણ અંગે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઉભી કરવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈ તેમજ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો.દિપક તિવારીએ નવનિર્મિત હોસ્પિટલના વિકલ્પ તરીકે ઉભી કરવામાં આવેલ વિવિધ સુવિધાઓની મંત્રીને વિગતવાર માહિતી આપી હતી. આ તકે મંત્રી એ જનરલ ઓપીડી, ગાયનેક, ટ્રોમા ઇમરજન્સી, પીડિયાટ્રિક, સર્જરી સહિતના વિભાગો અંગેની જાણકારી મેળવી હતી તેમજ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ઉભી કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થાઓ ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ અંગે મંત્રી એ જણાવ્યું કે સ્થાનિક ધારાસભ્યો તથા આગેવાનોની માંગણી ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવ નિર્માણ માટે ગત બજેટમાં જરૂરી રકમની ફાળવણી કરવામાં આવેલ છે.હોસ્પિટલ તથા હોસ્ટેલના નવ નિર્માણનું કાર્ય વહીવટી ક્ષેત્રે હાલ પ્રગતિ હેઠળ છે.દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આ સ્થળે ઊભી કરવાની થતી વૈકલ્પિક વ્યવસ્થાઓનું કાર્ય પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મંત્રી એ વધુમાં જણાવ્યું કે કેમ્પસના નવ નિર્માણનું કાર્ય ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ જૂના બિલ્ડીંગની બાજુમાં જ હંગામી વ્યવસ્થાઓ હાલ ગોઠવાઈ રહી છે.આ કામગીરી સંપન્ન થયા બાદ જુના બિલ્ડીંગનું ડિમોલેશન કરી આગળનું કામ શરૂ કરાશે.74 એકર વિસ્તારમાં ફેલાયેલ જી.જી.હોસ્પિટલ તથા એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે 15 જેટલા હોસ્પિટલ બિલ્ડીંગ, 70 સ્ટાફ ક્વાર્ટર, નર્સિંગ કોલેજ તથા હોસ્ટેલ બિલ્ડીંગ સહિતની સુવિધાઓ નિર્માણ પામશે.સાથે સાથે ડેન્ટલ કોલેજ, ફિજીયોથેરાપી કોલેજ તથા મેન્ટલ હોસ્પિટલનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે.
અહેવાલ: સાગર સંઘાણી