વડાપ્રધાનની ગુજરાતની મુલાકાત, વરસાદ અને કોરોનાની સ્થિતિ, વંદે ગુજરાત વિકાસયાત્રા અંગે વિસ્તૃત ચર્ચાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કોરોનામાં સપડાયા હોવાના કારણે રાજ્ય સરકારના મંત્રી મંડળની બેઠક છેલ્લા એક પખવાડીયાથી મળી શકી ન હતી. દરમિયાન આજે સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ, આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં આપવામાં આવેલી ભારે વરસાદની આગાહી, ખરીફ પાકનું વાવેતર, આજથી શરૂ થયેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇની આવતા સપ્તાહે ગુજરાતની સંભવીત મુલાકાત અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આજે સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારનાં મંત્રી મંડળની બેઠક મળી હતી. છેલ્લા સપ્તાહથી કેબિનેટની બેઠક મળી શકી ન હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દર પખવાડીયે ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. ગઇકાલે પીએમ ચાર કલાક માટે ગાંધીનગર ખાતે આવ્યા હતા. દરમિયાન આગામી 15મી જુલાઇના રોજ ફરી વડાપ્રધાન કચ્છ સહિતના ગુજરાતના અલગ-અલગ જિલ્લાની મૂલાકાતે આવે તેવી સંભાવના રહેલી છે. પીએમની સંભવિત ગુજરાત મુલાકાત સંદર્ભે આજે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોરોના વધુ ન વકરે તે અંગે પણ ચર્ચા કરાય હતી. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે વરસાદમાં જાનમાલની નુકશાની ન થાય તે માટે આગતરૂ આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થતી વંદે ગુજરાત વિકાસ યાત્રા સફળ રહે તે માટે પણ ચર્ચાઓ થઇ હતી. ચોમાસાની સિઝનમાં વાવેતર સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી.