વૃદ્ધની મુલાકાત દરમિયાન તેમને તાવ આવતો હોવાનું જણાતા ‘સી’ટીમ હોસ્પિટલ લઈ ગઈ
અબતક, રાજકોટ: શહેરીજનો માટે ખરેખર મદદની વ્યાખયને પુરવાર કરતી સી ટીમ દ્વારા વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધની વ્હારે આવી તેમને તાવ આવતો હોવાનું જાણવા મળતાં તુરંત વૃદ્ધને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મહિલા પોલીસ મથકના પીઆઈ ભાર્ગવ ઝણકાટની સૂચનાના પગલે સી ટીમના જાગૃતિબેન, શીતલબેન અને ધારાબેન દ્વારા સોની બજારમાં એકલવાયું જીવન જીવતા નાથાભાઈ મનજીભાઈ પઢિયાર નામના 67 વર્ષીય વૃદ્ધની મુલાકાત લીધી હતી.
તે દરમિયાન સી ટીમને જાણવા મળ્યું હતું કે વૃદ્ધને છેલ્લા બે દિવસથી સખત તાવ હોય જેના કારણે તેમની તબિયત લથડતાં લાગી હતી. પીડિત વૃદ્ધે સી ટીમને પોતાને સારવારની જરૂર હોવાનુ જણાવતા સી ટીમે તુરંત વૃદ્ધને હોસ્પિટલ લઈ જઈ જરૂરી રિપોર્ટ કરાવી સારવાર પૂરી પાડી હતી. સી ટીમની આવી સરાનિયા કામગીરીથી વૃદ્ધના મુખ પર ખુશી છલકાઈ હતી.