સાગર સંઘાણી
રાજયમાં ખાખીનો ખોફ ઓસરતો હોય તેવી ઘટનાઓ હાલ સામે આવી રહી છે ત્યારે દિનદહાળે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં જામજોધપુર માર્કેટિંગ યાર્ડના દ્વારે વેપારી પાસેથી ડબલ સવારી બાઇકમાં આવેલા બે લૂંટારુઓ રોકડ રકમ ની લૂંટ ચલાવી ફરાર થયા હતા આં મામલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આરોપીઓને પકડવા માટે સમગ્ર જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જિલ્લાના જામજોધપુરની છે જ્યાં માર્કેટિંગ યાર્ડના દ્વારે આજે બપોરે ડબલ સવારી બાઈકમાં આવેલા લૂંટારૂઓ જામજોધપુરમાં રહેતા ભૌતિક ભાઈ રામોલિયા નામના વેપારીને લુંટી લીધા હતા. ભૌતિક ભાઈ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં પોતાના પાર્ટનર મનસુખભાઈ હિંગળાજિયા સાથે વેપાર કરે છે. તેઓ આજે બપોરે ૧૨.૧૫ વાગ્યાના અરસામાં બેંકમાંથી રૂપિયા ૨૦ લાખની રોકડ રકમ ઉપાડીને બાઇક પર બેસીને માર્કેટિંગ યાર્ડમાં જઈ રહ્યા હતા, જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે લુટારુઓ કે જેઓ અગાઉથી પીછો કરી રહ્યા હોય તેમણે મોકા નો લાભ લઈને વેપારીના હાથમાંથી રૂપિયા બે લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી, અને ભાગી છૂટ્યા હતા.
લૂંટના બનાવને લઈને વેપારી દ્વારા ભારે બુમાબુમ કરવામાં આવી હતી, પરંતુ બંને લૂંટારુઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા. જે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાથી જામજોધપુરનો પોલીસ કાફલો તુરંત જ હરકતમાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા સુધી આ મેસેજ પહોંચ્યો હોવાથી જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી, અને સમગ્ર જિલ્લાની બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે, અને બારીકાઈ થી લૂંટારુઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા માર્કેટિંગ યાર્ડની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા ની મદદથી લૂંટારુઓને પકડવા માટેની કવાયત હાથ ધરી છે