કલેકટર કચેરીની બહાર બેસતી મહિલા દલાલ મજબુર નાગરીકો પાસે રૂ.૧૦૦૦ થી ૨૦૦૦ સુધીના ગરજના ભાવ લઈ ધીકતો ધંધો ચાલુ કર્યો: કોરા દાખલા દલાલોને આપનાર નાયબ મામલતદાર વિઘ્ધ તોળાતા સસ્પેન્શન સુધીના પગલા: પ્રાંત દ્વારા તપાસ શરૂ
આધારકાર્ડના ગેરઉપયોગને લઈ હાલ સુપ્રીમ કોર્ટમાં ગંભીર મામલે કડકપ અપનાવવામાં આવ્યું છે ત્યારે રાજકોટની જુની કલેકટર કચેરીમાં ફરજ બજાવતા એક નાયબ મામલતદાર દ્વારા આધારકાર્ડ કઢાવવા માટેના કોરા દાખલા દલાલોને આપવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો જિલ્લા કલેકટર સુધી પહોંચ્યા બાદ તેથી પણ આગળ આવા બ્લેન્ક દાખલાનો ધીકતો ધંધો કલેકટર કચેરીની બહાર બેસતી એક મહિલા દલાલ દ્વારા કરવામાં આવતો હોવાનું અને મજબુર નાગરિકો પાસેથી રૂ.૧ થી ૨ હજાર વસુલી આધારકાર્ડના દાખલા વહેંચવામાં આવતા હોવાનું બહાર આવતા આ મામલે પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અત્યંત સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની બહાર બેસી રેશનકાર્ડની દલાલી કરતી વિવાદીત મહિલા દ્વારા છેલ્લા થોડા સમયથી જે નાગરિકો પાસે ચુંટણીકાર્ડ, પાનકાર્ડ કે અન્ય ફોટો ઓળખપત્ર ન હોય તેવા મજબુર લોકોનો લાભ ઉઠાવી રૂ.૧ થી ૨ હજાર સુધીના નાણા પડાવી જુની કલેકટર કચેરીમાં બેસતી એક મામલતદાર કચેરીના નાયબ મામલતદારની સહીવાળા આધારકાર્ડ કઢાવવા માટેના દાખલા વહેંચવાનો ધીકતો ધંધો ચાલુ કરતા આ ફરિયાદ જિલ્લા કલેકટર સુધી પહોંચી હતી.
બીજી તરફ રાજકોટ શહેરમાં અનેક આધારકાર્ડ કેન્દ્રોમાં મામલતદારના આવા દાખલાના આધારે આધારકાર્ડ કાઢી આપવામાં આવતા હોવાનું પણ ધ્યાનમાં આવતા ચોંકી ઉઠેલા જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે અને તમામ આધારકાર્ડ કેન્દ્રોને નાયબ મામલતદારના દાખલાના આધારે આધારકાર્ડ નહીં કાઢી આપવા તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આંખો વિંચીને સહી કરવાની આદતવાળા જુની કલેકટર કચેરીના નાયબ મામલતદારને આધારકાર્ડના દાખલા દલાલોને આપવા કે વહેંચવા ભારે પડી શકે તેમ છે અને તપાસમાં પુરાવા પણ સાંપડતા આ નાયબ મામલતદાર વિરુઘ્ધ સસ્પેન્શન સુધીના પગલા તોળાય રહ્યા હોવાનું સુમાહિતગાર વર્તુળોએ અંતમાં જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com