લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, કાપડ માર્કેટ અને દિવાનપરા સહિત અલગ-અલગ 6 વેપારી એસોસિએશનના હોદેદારો દ્વારા મેયર અને મ્યુનિ.કમિશનર સમક્ષ આજીજી: તંત્ર કોઇ કાર્યવાહી નહિં કરે તો ધરણાં પર બેસી જવાની ચીમકી
શહેરની મુખ્ય બજાર એવી સર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવાનપરા અને કાપડ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ફેરિયા અને પાથરણાવાળાઓનો ત્રાસ વધી રહ્યો છે. અગાઉ રવિવારે જ બેસતા ફેરિયાઓ હવે રોજ રોડ પર બેસવા માંડ્યા છે. જેના કારણે માર્કેટમાં મુખ્ય દુકાનદારોના ધંધા ચોપટ થઇ ગયા છે. આજે અલગ-અલગ 6 વેપારી એસોસિએશનના હોદ્ેદારો દ્વારા આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જો કોર્પોરેશન તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં નાછૂટકે વેપારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં પર બેસી વિરોધ નોંધાવો પડશે. તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સર લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ મહેશભાઇ મહેતા, ધી રાજકોટ હોલસેલ ટેક્સ ટાઇલ મરચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેષભાઇ અનડકટ, ધી રાજકોટ ટેક્સ ટાઇલ રિટેલ એસોસિએશનના પ્રમુખ જયેશભાઇ ધામેચા, દિવાનપરા વેપારી એસોસિએશનના પ્રમુખ રૂપેશભાઇ રાચ્છ, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી અને રાજકોટ પ્લોટ્સ મરચન્ટ એસોસિએશનના હોદ્ેદારો સહિત મુખ્ય બજારોના વેપારીઓ આજે મોટી સંખ્યામાં કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતાં. તેઓએ મેયર અને મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લાં ઘણા સમયથી શહેરની મુખ્ય બજાર એવી સર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવાનપરા અને કાપડ માર્કેટમાં ફેરિયાઓ, પાથરણાવાળા અને લારીવાળઓનો ત્રાસ વધી ગયો છે. મુખ્ય બજારોમાં ગેરકાયદે દબાણ કરી તેઓ જૂની વસ્તુઓનો વેપાર કરે છે. સાથોસાથ દુકાનદારો સાથે દાદાગીરી કરીને અને શો-રૂમ કે દુકાનની આગળ બેસી જાય છે જેના કારણે વેપારીઓએ પારાવાર નુકશાની વેઠવી પડે છે. દબાણના કારણે ટ્રાફીકની સમસ્યા પણ સર્જાય છે.
છાશવારે વેપારીઓ અને રાહદારીઓ સાથે આવા દબાણકર્તાઓ ઝગડા કરે છે. ટ્રાફીક સહિતની સમસ્યાને કારણે લોકો હવે અન્ય બજારોમાંથી ખરીદી કરવા લાગ્યા છે. જેના કારણે મુખ્ય બજારમાં વર્ષોથી બેસતા વેપારીઓના ધંધા ચોપટ થઇ ગયા છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં અંદાજે 2 હજારથી વધુ દુકાનદારો હાલ ફેરિયા અને પાથરણાવાળાઓનો ત્રાસ વેઠી રહ્યાં છે. આગામી રવિવારે અહિં કોઇ જ પ્રકારનું દબાણ ન રહે તેવી અરજી કરવામાં આવી છે. છતાં જો તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવશે નહિં તો નાછૂટકે વેપારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને વિરોધ ધરણાં કરવા પડશે.
રવિવારે ખાસ ટીમ તૈનાત કરાશે: મેયર
શહેરની મુખ્ય બજારો ફેરિયાઓ અને પાથરણાવાળઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. રાજકોટની શાન ગણાતી બજારોમાં રવિવારે તો ગુજરી બજાર ભરાતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વેપારીઓ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં એવી માંગ કરવામાં આવી હતી કે આગામી રવિવારથી મુખ્ય 6 બજારોના વેપારીઓને દબાણકર્તાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
મેયર ડો.પ્રદિપ ડવે વેપારીઓને એવી ખાતરી આપી હતી કે કોર્પોરેશન દ્વારા રવિવારે મુખ્ય બજારોમાં ખાસ ટીમ તૈનાત કરવામાં આવશે. જે દબાણ કરનારને તગેડી મૂકશે. જગ્યા રોકાણ શાખામાં એક્સ આર્મીમેનની ભરતી કરવા માટેની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો છતાં જરૂરિયાત દેખાશે તો ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ સહિતના વિસ્તારોમાં રોજ દબાણ હટાવ શાખા દ્વારા નિયમિત ચેકીંગ હાથ ધરવામાં આવશે.