શોર્ટસર્કીટના કારણે આગ લાગી : ચાલકે સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા ચમત્કારિક બચાવ
અબતક,રાજકોટ
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર જિલ્લા પંચાયત ચોક નજીક એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના મોડી રાત્રીના સામે આવી હતી. જેમાં પ્રથમ ફાયર સેફ્ટીની બોટલથી આગ બૂઝાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. બાદમાં ફાયરબ્રિગેડ સ્ટાફ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ચાલકે સમય સુચકતા વાપરતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ યાજ્ઞિક રોડ તરફ જતા રસ્તા પર સિટી બસના બસ સ્ટોપ નજીક એક સફેદ કલરની સેવરોલેટ ક્રૂઝ કાર નંબર જીજે-05-સીપી-9593 પસાર થતા તેમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોકે, સદનસીબે ડ્રાઈવર સમય સુચકતા દાખવી કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને જાનહાનિ થતા ટળી હતી. પ્રાથમિક તબક્કે આગ પર કાબૂ મેળવવા ફાયર સેફ્ટીની બોટલનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે આગ પર કાબૂ ન આવતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.ફાયર બ્રિગેડના સ્ટાફે આવી આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ શોટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.