યુરિયા ખાતર ઉપર બીજા દેશો ઉપર નિર્ભર ભારત હવે સ્થાનિક ઉત્પાદન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય, જેના કારણે ચાલુ વર્ષે આયાત ઘટવાની છે. આ ઉપરાંત સબસીડીનું ભારણ પણ 35 ટકા સુધી ઘટનાનું હોવાનો મંત્રી મનસુખ માંડવીયાએ અંદાજ વ્યક્ત કર્યો છે.
ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક ભાવમાં ઘટાડો અને યુરિયાની ઓછી આયાતને કારણે સરકારનું ખાતર સબસિડી બિલ ચાલુ નાણાકીય વર્ષમાં 30-34% ઘટીને રૂ. 1.7થી 1.8 લાખ કરોડ થવાની શક્યતા છે.
ગત વર્ષે 75 લાખ ટન યુરિયા ખાતરની આયાત, ચાલુ વર્ષે તે ઘટીને 40 થી 50 લાખ ટન રહેવાનો અંદાજ
વૈશ્વિક ભાવમાં ઘટાડો અને યુરિયાની ઓછી આયાતને કારણે સરકારનું ખાતર સબસિડી બિલ ચાલુ નાણાકીય વર્ષમાં ઘટવાનું છે. ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રાતા સમુદ્રમાં જે સ્થિતિ છે. તેની ખાતરમાં કોઈ અસર નથી. ભારતમાં પૂરતો સ્ટોક હોવાથી ખાતરની પૂરતી ઉપલબ્ધતા છે.વૈશ્વિક ભાવમાં ઘટાડાને કારણે આ વર્ષે સબસિડીમાં ઘટાડો થવાની ધારણા છે. અમે સબસિડી ઘટાડવા માટે છૂટક કિંમતોમાં વધારો કર્યો નથી, તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સબસિડી બિલ આશરે રૂ. 1.7-1.8 લાખ કરોડ રહેવાનો અંદાજ છે.
ગયા વર્ષે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક કિંમતો આસમાને પહોંચી જતાં સરકારની સબસિડીનો બોજ વધ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં યુરિયાની આયાત 40-50 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષના 75 લાખ ટન જેટલી હતી. આયાત ઘટના પાછળનું કારણ એ છે કે સ્થાનિક ઉત્પાદન વધુ છે. મંત્રીએ કહ્યું કે નેનો લિક્વિડ યુરિયાના ઉપયોગથી પણ મદદ મળી છે.
હાલમાં ભારત પાસે 70 લાખ ટન યુરિયા, 20 લાખ ટન ડીએપી, 10 લાખ ટન મ્યુરિએટ ઓફ ફોસ્ફેટ, 40 લાખ ટન એનપીકે અને 20 લાખ ટન સિંગલ સુપર ફોસ્ફેટનો ભંડાર છે. મંત્રીએ કહ્યું કે ચાર યુરિયા પ્લાન્ટને પૂન:શરૂ કરવામાં આવ્યા છે અને પાંચમા પ્લાન્ટને પણ પુન: શરૂ કરવામાં આવશે. જ્યાં ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરાશે.