કાંગારૂ સામેના બીજા વન-ડેમાં કેપ્ટન કોહલીના ‘ઉતાવળીયા’ નિર્ણયથી ગૌતમ ગંભીર અને આશિષ નેહરા નારાજ

સારા પ્લેયર હોવાથી સારા કેપ્ટન બની શકાતુ નથી તે વાત ઈતિહાસે ફરીવાર દોહરાવી છે. સારા કેપ્ટન બનવા માટે સારા પ્લેયર હોવાની જરૂરીયાત નથી ફક્ત નેતૃત્વના ગુણ હોવા જોઈએ. સારા કેપ્ટન ત્યારે જ બની શકાય છે જ્યારે ટીમના તમામ પ્લેયર્સના કૌશલ્ય તેમજ ખામીને ઓળખી કેવા સમયે ક્યાં પ્લેયરનો ઉપયોગ કરવો તે સારી રીતે જાણતો હોય. બેટ્સમેનમાં ‘વિરાટ’ તરીકે ઓળખાતો કોહલી કેપ્ટનશીપમાં વામણો સાબીત થયો હોય તેવું હાલના તબક્કે સ્પષ્ટ કહી શકાય છે. ન્યુઝીલેન્ડ ટુરથી માંડી ઓસ્ટ્રેલીયા ટુરમાં ભારતનું નેતૃત્વ કેપ્ટન કોહલીએ કર્યું છે પરંતુ આ સમયે ભારતે હારનો સામનો કરવો પડ્યો છે.

ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર તરીકે સમગ્ર વિશ્ર્વમાં પ્રખ્યાત સચિન તેંડુલકર જ્યારે ટીમ ઈન્ડિયાનું સુકાની પદ સંભાળવાની જવાબદારી આપવામાં આવી હતી તે સમયે તેંડુલકરનું પ્રદર્શન તો ખરાબ રહ્યું જ હતું પરંતુ સાથો સાથ ટીમનું પણ પ્રદર્શન ખુબ નબળુ સામે આવ્યું હતું જે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે કે, સારા પ્લેયર હોવાથી સારા કેપ્ટન બની શકાતુ નથી. જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમના એક સમયના કેપ્ટન માઈક બ્રેઈલીનું વ્યક્તિગત પ્રદર્શન સારૂ ન હતું તેમ છતાં પણ ઓસ્ટ્રેલીયન ટીમને પરફેકટ મેનેજ કરી માઈક બ્રેઈલીએ ઓસ્ટ્રેલીયાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રમાં અનેકવિધ સિધ્ધીઓ પ્રાપ્ત કરાવી હતી.

ભારતે ઓસ્ટ્રેલીયન ટુર દરમિયાન વન-ડેમાં સીરીઝ ગુમાવી છે. અગાઉ ભારતે કેપ્ટન કોહલીની સુકાનીમાં ન્યુઝીલેન્ડ ટુરમાં ખુબજ નબળુ પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલીયન ટીમ સામે ભારતના નબળા પ્રદર્શનમાં ક્યાંક કેપ્ટનશીપના કૌશલ્યનો અભાવ સૌથી મહત્વપૂર્ણ છે. બીજી વન-ડે સીરીઝમાં જે રીતે વિરાટના ઉતાવળીયા નિર્ણયે ઓસ્ટ્રેલીયાને પહાડ જેવો લક્ષ્ય ખડકવામાં મદદ કરી હતી. તેના કારણે ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની સતત થઈ રહેલી હારના પરિણામે ફરીવાર ભારતના સુકાની પદ માટે વિવાદ વકર્યો છે.

ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક નિવેદનમાં ઓસ્ટ્રેલીયન ટૂર દરમિયાન ભારતના પ્રદર્શન અંગે ચર્ચા કરતા કહ્યું હતું કે, મને અજીબ લાગે છે કે જ્યારે તમારી પાસે જસ્પ્રીત બુમરાહ જેવો બોલર હોય ત્યારે તેને છોડીને નવદીપ સૈની પાસે બોલીંગ કરાવવી ખુબજ મુર્ખામીભર્યો નિર્ણય છે. હું વ્યક્તિગત રીતે એવું માનુ છું કે આ ટેકનીકલ ભુલ નહીં પરંતુ ટેકટીકલ બ્લન્ડર છે જે કેપ્ટન કોહલીએ કર્યું છે. હું બીજી ઓડીઆઈ દરમિયાન બુમરાહ અને શામી સ્પેલમાં ૫-૫ ઓવરના નાખે તેવી ધારણા લઈ બેઠો હતો અને સ્પેલ દરમિયાન બન્ને બોલરો ૧-૧ વિકેટ લે તેવી મને આશા હતી. પરંતુ સ્પેલ દરમિયાન બુમરાહને ફકત ૨ જ ઓવરમાં આપવામાં આવી તે ખુબજ મુર્ખામીભર્યો નિર્ણય છે.

કેપ્ટન કોહલીને સુકાની પદ આપ્યા બાદ તેના પ્રદર્શન અંગે જો વાત કરવામાં આવે તો આઠ વન-ડેમાં ઈન્ડિયાની સુકાની તરીકેની સફરમાં કોહલીએ ફકત ૩૬૮ રન બનાવ્યા છે. જેમાં ૪ અર્ધ સતકનો સમાવેશ થાય છે પરંતુ એવરેજ ૪૬ની આવે છે જે બેટ્સમેન તરીકે પણ સારી ન ગણી શકાય જેના પરથી સ્પષ્ટ કહી શકાય કે, કેપ્ટનશીપનું ભારણ વિરાટને બેટ્સમેન તરીકે પણ નડી રહ્યું છે.

આઈપીએલમાં કેપ્ટન કોહલી બેંગ્લોરની ટીમનું સુકાની પદ સંભાળે છે ત્યારે બેંગ્લોરની ટીમના બોલીંગ કોચ તરીકે રહેલા આશીષ નેહરાએ પણ કહ્યું છે કે, અમુક સમયે કોહલી ઉતાવળીયા નિર્ણય લઈ લે છે જે પાછળથી તેની ઉપર જ ભારે પડે છે. બીજી ઓડીઆઈ દરમિયાન કેપ્ટન કોહલીએ લીધેલા તમામ નિર્ણય ઉતાવળીયા છે જેનો કોઈ જ મતલબ ન હતો. ભારતીય ટીમ પાસે જસ્પ્રીત બુમરાહ અને મોહમદ શામી જેવા બોલર હોવા છતાં નવદીપ સૈનીને બોલીંગ આપવામાં આવી તે બાબત મને જરા પણ પસંદ ન આવી. મારા મનમાં ચોક્કસ પ્રશ્ર્ન થાય છે કે, જસ્પ્રીત બુમરાહને શા માટે ફકત બે જ ઓવર આપવામાં આવી. ભારત પાસે ૫ બોલર હોવા છતાં મયંક અગ્રવાલ અને હાર્દિક પંડ્યા પાસે બોલીંગ કરાવવાની ફરજ પડી તે યોગ્ય નિર્ણયના અભાવનું પરિણામ છે.

અગાઉ ‘અબતક’એ કેપ્ટન શીપના વિવાદ અંગે અહેવાલ પ્રકાશીત કર્યો હતો. ભારતીય ટીમમાં કોહલી સીવાય રોહિત શર્મા અને કે.એલ.રાહુલ કેપ્ટનશીપ પદ માટે સક્ષમ છે. ત્યારે ટી-૨૦ વન-ડે અને ટેસ્ટ મેચના ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન રાખવાથી ટીમ ઈન્ડિયાની દશા અને દિશા બદલાશે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બદલાવવાના પરિણામે ટીમ કોઈપણ કેપ્ટનને સમજી નહીં શકે અને અસમંજસના કારણે ટીમને નબળા પ્રદર્શનનો સામનો કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.